Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ઓકટોબરમાં કારના વેચાણમાં મંદી, ટુ-વ્હીલર્સમાં તેજી

ઇંધણના વધતા ભાવ, ઊંચા વ્યાજદર અને વીમાખર્ચમાં વધારો થવાના લીધે

મુંબઇ, તા.૨: પેસેન્જર વાહનોના વેચાણમાં ઓકટોબરમાં તહેવારો જેવો ઉત્સાહ આ વખતે જોવા મળ્યો નથી. સળંગ ત્રણ મહિનાની નકારાત્મક વૃદ્ઘિ પછી પણ પેસેન્જર વાહનોનું વેચાણ ઓકટોબરમાં માંડ વધ્યું હતું.

ધનતેરસ અને દિવાળી પૂર્વે દ્વિચક્રી વાહનોના વેચાણમાં વધારો થતાં તેણે બે આંકડામાં વૃદ્ઘિ નોંધાવી છે. બીજી બાજુ કોમર્શિયલ વાહનોના ઉત્પાદકોએ ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રની ભારે કામગીરીના કારણે ટ્રેન્ડથી વિપરીત જઈને નોંધપાત્ર વૃદ્ઘિ નોંધાવી હતી. માળખાકીય કામકાજમાં વધુ ને વધુ ટ્રકોની માંગના લીધે તેઓ આ વૃદ્ઘિ નોંધાવવામાં સફળ રહ્યા હતા.

ઓકટોબરના અંતે પેસેન્જર વાહનનું વેચાણ ૨.૮૨ લાખ એકમ થયું હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષના ૨.૭૭ લાખ એકમની તુલનાએ માંડ ૧.૫થી બે ટકાનો વધારો દર્શાવે છે.

ટોચના છમાંથી પાંચ દ્વિચક્રી વાહન ઉત્પાદકોએ ઓકટોબરમાં ૧૭.૨ લાખ એકમના વેચાણ સાથે ડિસ્પેચમાં ૧૬ ટકાની ઊંચી વૃદ્ઘિ નોંધાવી છે. ટોચના ચાર ટ્રક ઉત્પાદકોએ ૨૧.૬૨ ટકાની વૃદ્ઘિ નોંધાવતી ૮૪,૦૪૩ ટ્રકનું વેચાણ કર્યું હતું.

ઈંધણના વધતા ભાવ, ઊંચા વ્યાજદર અને વીમાખર્ચમાં વધારો થવાના લીધે દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીનો વૃદ્ઘિદર પણ ખોટકાયો હતો. તેણે ઓકટોબર ૨૦૧૮માં ફકત ૧.૩૫ લાખ વાહનોનું જ વેચાણ કર્યું હતું. કંપની નવી પેઢીનાં વાહનો તરફ ટ્રાન્સફર થવાના લીધે અર્ટિગાના વેચાણને અસર થઈ હતી.

મારુતિ સુઝુકીની હરીફ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા નવી સેન્ટ્રોની આગેવાની હેઠળ ૫૨,૦૦૦ એકમનું વેચાણ નોંધાવવામાં સફળ રહી હોવા છતાં પણ તેની વૃદ્ઘિ ફકત પાંચ ટકા રહી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તથા હોન્ડા કાર્સના વેચાણના આંકડા સ્થિર રહ્યા હતા. નવા મોડલના ટેકાથી ટાટા મોટર્સ અને ફોર્ડ ઇન્ડિયાને દ્વિઅંકી દરે વૃદ્ઘિ નોંધાવવામાં સફળતા મળી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ઓટોમોટિવ સેકટરના પ્રમુખ રાજન વાઢેરાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાથી ઓટોમોટિવ ઉદ્યોગ પેસેન્જર વાહનોના સેગમેન્ટમાં નબળા વેચાણની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. તેનું કારણ ખરીદદારોના સેન્ટિમેન્ટને થયેલી અસર છે.

ક્રિસિલ રિસર્ચના જણાવ્યા મુજબ ઓકટોબરમાં પેસેન્જર વાહનવૃદ્ઘિનું કારણ ગયા વર્ષના ઓકટોબરનો નીચો વૃદ્ઘિદર હતું અને તેના તહેવારોની સીઝન મહિનો પાછો ઠેલાઈ હતી. ક્રિસિલ રિસર્ચના ડિરેકટર હેતલ ગાંધીના જણાવ્યા મુજબ માલિકીનો ખર્ચ વધી રહ્યો છે, જે ૨૦૧૮-૧૯માં ૮થી ૯ ટકા થવાનો અંદાજ છે, જેની છેલ્લાં પાંચ વર્ષની સરેરાશ બેથી ચાર ટકા હતી.

આઇએચએસ માર્કિટના સિનિયર એનાલિસ્ટ ગૌરવ વાંગલે ઉમેર્યું હતું કે ડિસ્પેચ વધ્યા હોવા છતાં પણ વાસ્તવિક ધોરણે જોઈએ તો રિટેલમાં ખાસ મજબૂતાઈ નથી અને તેની અસર સીધી નવેમ્બરના વેચાણના આંકડા પર પણ પડશે.

વાંગલે જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં સેન્ટિમેન્ટ નરમ છે અને આ તકલીફ આગામી ચૂંટણી પૂરી થાય નહીં એટલે કેટલાંક કવાર્ટરો સુધી ચાલતું રહે છે. કોમર્શિયલ વ્હિકલ અને દ્વિચક્રી વાહનના હકારાત્મક આંકડા છતાં પણ દેશની સૌથી મોટી ટ્રક ઉત્પાદક ટાટા મોટર્સ અને સૌથી મોટી દ્વિચક્રી વાહન ઉત્પાદક હીરો મોટોકોર્પે માંગના વાતવરણ અને ઉદ્યોગ સામેના અવરોધો અંગે ચેતવણી ઉચ્ચારી છે.

(3:35 pm IST)