Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

તિનસુકિયામાં પાંચ લોકોની હત્યાના વિરોધમાં આસામ બંધ : ઠેર ઠેર હિંસક દેખાવો

મોટા ભાગના રસ્તાઓ અને હાઇવે પર ટાયર સળગાવીને ટ્રાફિકજામ કરવામાં આવ્યો

ગુવાહાટી તા. ૨ : આસામના તિનસુકિયા જિલ્લાના ખેરોનીમાં મોડી રાત્રે ઉલ્ફા (ઈન્ડિપેન્ડેન્ટ)ના ઉગ્રવાદીઓએ પાંચ લોકોની ગોળીઓ મારી હત્યા કરી દેતાં સમગ્ર આસામમાં હાહાકાર મચી ગયો છે. આ હત્યાકાંડ બાદ આજે આપવામાં આવેલા ર૪ કલાકના આસામ બંધને તિનસુકિયા સહિત સમગ્ર રાજયમાં જોરદાર પ્રતિસાદ મળ્યો છે.

તિનસુકિયા અને અન્ય કેટલાક વિસ્તારમાં ઉગ્ર અને હિંસક દેખાવોના સમાચાર પણ મળી રહ્યા છે. મોટા ભાગના રસ્તાઓ અને હાઈવે પર ટાયર સળગાવીને ટ્રાફિક જામ કરવામાં આવ્યો છે.

પ્રારંભિક તપાસ અનુસાર તિનસુકિયા નરસંહારનો આરોપ યુનાઈટેડ લિબ્રેશન ફંડ ઓફ આસામ એટલે કે ઉલ્ફા પર લગાવવામાં આવ્યો છે. પોલીસસૂત્રોના કહેવા મુજબ છ હુમલાખોરો બે બાઈક પર સવાર થઈને આવ્યા હતા અને આ તમામ ઉગ્રવાદીઓ હિન્દી ભાષામાં વાત કરી રહ્યા હતા.

હુમલાખોરોએ શ્યામલ બિશ્વાસ, અનંત બિશ્વાસ, અવિનાશ બિશ્વાસ, સુબલ દાલ અને ધનંજય નામશૂદ્રની ગોલીઓ ધરબીને હત્યા કરી દીધી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેઓ પાંચ લોકોની હત્યા બાદ અંધારામાં ગાયબ થઈ ગયા હતા.

આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે માસૂમ લોકોની હત્યાની આકરી ટીકા કરીને પીડિત પરિવારોને આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ કાયરતાપૂર્ણ હિંસાના અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે આ પ્રકારની હરકત સહન નહીં કરીએ.

સીએમએ રાજયના બે પ્રધાન તપન ગોગોઈ અને કેશવ મહંતને ડીજીપી કુલાધાર સાઈકિયા સાથે ઘટનાસ્થળે જવા આદેશ પણ આપ્યા છે. મુખ્યપ્રધાને તમામ ડેપ્યુટી કમિશનર અને એસપીને સતત એલર્ટ રહેવા પણ જણાવ્યું છે. ઉગ્રવાદીઓ ફરીથી ટૂંક સમયમાં ત્રાટકે તેવી શકયતા પણ અધિકારીઓએ વ્યકત કરી હોવાથી સરકાર સતર્ક બની ગઈ છે.

ગૃહપ્રધાન રાજનાથસિંહે પણ આ ઘટના અંગે દુઃખ વ્યકત કરતાં જણાવ્યું છે કે, આ ઘૃણિત અપરાધના દોષીઓ સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. પૂર્વ મુખ્યપ્રધાન તરૂણ ગોગોઈ, વિપક્ષ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રિપુન બોરાએ પણ ઉગ્રવાદી હુમલો અને લોકોની હત્યાની ટીકા કરી આરોપીઓને તાત્કાલિક ઝડપી સજા આપવાની માગણી કરી છે.

દરમિયાન તિનસુકિયા ઉગ્રવાદી હુમલાને હવે રાજનેતાઓએ રાજકીય રંગ આપવાનું પણ શરૂ કરી દીધું છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આ હુમલાને બંગાળી મૂળ સાથે જોડી નવી વાત કહી છે. તેમણે આ સાથે વિવાદનું કેન્દ્ર બનેલા નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનસીઆર) સામે પણ નિશાન તાકયું હતું.

મમતાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, કયાંક આ હુમલો એનસીઆર સાથે જોડાયેલા ઘટનાક્રમનું પરિણામ તો નથી ને. આસામમાંથી મળેલા આ સમાચાર ખૂબ ભયાનક છે. અમે તિનસુકિયામાં થયેલા બર્બર હુમલો અને પાંચ નિર્દોષ લોકોની હત્યાની ટીકા કરીએ છીએ.

(3:34 pm IST)