Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

દિવાળી - નૂતન વર્ષ પર્વનો રવિવારથી આરંભ, ૧૨મીએ લાભ પાંચમ ઉજવાશે

રવિવારે સરસ્વતીજીની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ : વાછરડા સહિત ગાયનું પૂજન થશે

અમદાવાદ તા. ૨ : દિવાળીનાં પર્વોનો પ્રારંભ તા.૪ નવેમ્બરથી થઈ રહ્યો છે. તા.૪ નવેમ્બરના રોજ રમા એકાદશી અને ગોવત્સ દ્વાદશી, વાકબારશની ઉજવણી થશે. ખાસ કરીને લાભ પાંચમ સુધીનો સમયગાળો દિવાળી અને નૂતન વર્ષના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ પર્વ-તહેવારો તા.૧૨મી નવેમ્બર, લાભ પાંચમ સુધી ઉજવવામાં આવશે. ખાસ કરીને નૂતન વર્ષ, તા.૮ નવેમ્બરના રોજ ગોવર્ધન પૂજા, અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. .

શાસ્ત્રજ્ઞ ડો.કૃણાલભાઈ શાસ્ત્રીજીએ જણાવ્યું કે રમા એકાદશીથી શ્રદ્ઘાળુઓ પોતાનાં ઘરે દીપળામા અને રોશની-શણગારનો પણ પ્રારંભ કરી દે છે. સાથોસાથ અનેક લોકો આ દિવસથી રંગોળી કરવાનો પ્રારંભ કરે છે. ખાસ કરીને તા.૪ નવેમ્બરે ગોવત્સ દ્વાદશીની પણ ઉજવણી થશે. એટલે કે વાછરડા સાથેના ગાયનું પૂજન પણ કરવામાં આવશે. આ દિવસે ગાયનું પૂજન કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થતી હોય છે. દિવાળીનાં આ પર્વ-તહેવારમાં દીપમાળાનું સવિશેષ મહત્ત્વ હોય છે. જે માત્ર અંધકારથી પ્રકાશ તરફ જ નહીં, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ અજ્ઞાનથી જ્ઞાન તરફ અને નકારાત્મક ઊર્જાથી સકારાત્મક ઊર્જા તરફની ગતિનું સૂચક છે.

રવિવારના રોજ સરસ્વતી દેવીની ઉપાસના ઉત્તમ દિવસ છે, એમ કહી જૈન મુનિ મિત્રાનંદસાગરજી મ.સા.એ જણાવ્યું કે આ વર્ષે તા.૪ નવેમ્બરના રોજ વાક્ બારશ છે. વાક્ એટલે કે વાણી. દેવી સરસ્વતીની ઉપાસનાનો દિવસ છે. આ દિવસે ભગવતી સરસ્વતીના જાપ કરવાથી અદ્ભુત પરિણામ મળી શકે છે. આ માળા પણ સફેદ અથવા પીળા રંગની લઈ શકાય છે. ઓછામાં ઓછી ૧૧ માળાનો જાપ કરવા. જે અંતર્ગત 'ઓમ્ ઐં નમઃ', 'ઓમ્ વાગ્વાદિન્યૈ નમઃ' અથવા 'ઓમ્ નમો સુઅ-દેવયાએ' મંત્રનો જાપ કરી શકાય છે.(૨૧.૮)

(12:19 pm IST)