Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

નાના-મધ્યમ ઉદ્યોગો માટે રાહતોનો વરસાદ વરસાવવા તૈયારી

વડાપ્રધાન મોદી આજે આ સેકટર માટે ઢગલાબંધ રાહતો જાહેર કરશેઃ આ સેકટરને માત્ર ૫૯ મીનીટમાં જ ૧ કરોડની લોન મળે તેવી વ્યવસ્થા ઉભી થશેઃ આ સેકટરને વધુ વ્યાજ સબસીડીની યોજના પણ જાહેર થશેઃ એમએસએમઈ સેકટરના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહનો જાહેર કરશેઃ આ સેકટરની પ્રોડકટ ખરીદવા પ્રોત્સાહન આપવા પણ વિવિધ એલાનો થશે

નવી દિલ્હી, તા. ૨ :. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નાના વેપારીઓને દિવાળીની એક મોટી ગીફટ આપવા જઈ રહ્યા છે. તેઓ દેશના નાના અને મધ્યમ સેકટરના વેપારીઓ માટે રાહત પેકેજની સાથે અનેક પ્રકારની સુવિધાઓની જાહેરાત કરી શકે છે. તેઓ એક ડીઝીટલ લેન્ડીંગ પ્લેટફોર્મની શરૂઆત કરી શકે છે. જ્યાંથી નાના વેપારીઓને એક કરોડ રૂપિયા સુધીની લોન કોઈ ગેરેંટી વગર મળી શકશે. આ સિવાય નાના વેપારીઓ માટે લોનની સીમા અને વ્યાજદરોમાં છૂટનુ પણ એલાન થઈ શકે છે.

વડાપ્રધાન મોદી આજે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એટલે કે એમએસએમઈ માટે વધુ વ્યાજ સબસીડી સહિત અનેક રાહતોની જાહેરાતો કરી શકે છે. સરકાર નાના અને મધ્યમ ઉદ્યોગો માટે રાહત પેકેજનું એલાન કરી શકે છે. જે હેઠળ ઉદ્યોગોને માત્ર ૫૯ મીનીટમાં ૧ કરોડની લોન મળી શકશે. તેઓ આ સેકટર માટે બહેતર વ્યાજ સબસીડીની પણ જાહેરાત કરી શકે છે. જેનાથી આ સેકટરને પ્રોત્સાહન મળશે અને વધુ રોજગારી ઉભી થઈ શકશે. સાથોસાથ સારી વ્યાજ સબસીડીથી સસ્તી લોનની ઉપલબ્ધતા પણ વધશે.

આ સેકટરમાં ૬.૩ કરોડથી પણ વધુ એકમો છે અને ૧૧.૧ કરોડ લોકોને તેમા રોજગાર મળે છે. જીડીપીમાં આ ક્ષેત્રનું યોગદાન ૩૦ ટકા છે અને મેન્યુફેકચરીંગમાં તેનો ફાળો ૪૫ ટકા છે. કુલ નિકાસમાં આ ક્ષેત્રનો હિસ્સો ૪૦ ટકા છે.

મળતા અહેવાલો મુજબ સરકાર આ સેકટરના વિકાસ માટે અનેક રાહતો જાહેર કરશે. આ ક્ષેત્રની પ્રોડકટ ખરીદવાને પ્રોત્સાહન આપવા માટે સરકાર વિવિધ જાહેરાતો પણ કરી શકે છે.(૨-૭)

(11:32 am IST)