Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ગુજરાતમાં ખેડૂતોનો મુદ્દો નિર્ણાયકઃ તોગડિયાની પાર્ટી તમામ બેઠકોમાં ઝંપલાવશે

ભાજપને કેન્સર થઈ ગયુ છે, વિશ્વાસઘાતીઓને સજા કરવાનો સમગ્ર દેશનો મિજાજઃ ભાજપમાંથી ઘણા લોકો નવી પાર્ટીમાં આવશેઃ નવી પાર્ટીની નોંધણી થઈ ગઈ, એકાદ મહિનામાં વિધિવત એલાનઃ લગભગ બધા રાજ્યોમાં ચૂંટણી લડવાની કલ્પના

રાજકોટ, તા. ૨ :. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડા ડો. પ્રવીણભાઈ તોગડિયાએ નવી રાજકીય પાર્ટી બનાવવાનો નિર્ણય કર્યો છે. નવી પાર્ટીનું નામ અને કામ સાથેનું એલાન દિવાળી પછી થનાર છે. તેમની પાર્ટી દેશના લગભગ બધા રાજ્યોમાં લોકસભાની ચૂંટણી લડવા માગે છે. ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો પર ઉમેદવારો મુકવાનું નક્કી કર્યુ છે. સમગ્ર દેશની પ્રજાનો મિજાજ વિશ્વાસઘાતીઓને સજા કરવાનો હોવાનું તેમનુ તારણ છે.

ડો. તોગડિયાએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, નવી પાર્ટીની નોંધણી થઈ ગઈ છે. આવતા એકાદ મહિનામાં નામ સાથેની વિગતો જાહેર કરશું. અમે ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર ઉમેદવારો લડાવશું. ભાજપમાંથી ઘણા સારા લોકો અમારી પાર્ટી તરફ આવવા માગે છે. કોઈપણ જગ્યાએથી સારા અને જનતાની સેવા કરવાની ભાવનાવાળા લોકો જોડાવા માંગતા હોય તો તેને આવકારશું.

તેમણે જણાવેલ કે, ભાજપને કેન્સર થઈ ગયુ છે. મોટી સર્જરીની જરૂર છે. સરદારના નામે દેખાવ કરવાના બદલે ખેડૂતોના કામ કર્યા હોત તો લોકો અને ખેડૂતોના દિલ જીતી શકયા હોત. ગુજરાતમાં ખેડૂતો ખૂબ દુઃખી છે. દુષ્કાળની પરિસ્થિતિ છે. ખેડૂતોને પાક વિમાની રકમ તાત્કાલીક નહીં મળે તો ઘણા ખેડૂતો આપઘાત કરવા તરફ પ્રેરાશે. જ્યાં જરૂર હોય ત્યાં ફરીથી સર્વે કરીને પણ ખેડૂતોને પાક વિમાની રકમ તાત્કાલીક ચુકવવી જોઈએ. અમે ખેડૂતો માટે સરકાર સામે આંદોલન કરશું. ગુજરાતની ચૂંટણીમાં ખેડૂતોનો મુદ્દો નિર્ણાયક બનશે.(૨-૯)

 

(11:31 am IST)