Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

NRC : 'ગેરકાયદે' નાગરિકોને રાહત : વધુ પાંચ દસ્તાવેજો માન્ય ગણાશે

સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય લઇને રાહતની જાહેરાત કરી

નવી દિલ્હી તા. ૨ : આસામમાં ૪૦ લાખ નાગરિકોને રાતોરાત 'ગેરકાયદે' જાહેર કરી દેનારા નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC)ના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય લઈને રાહતની જાહેરાત કરી છે. સુપ્રીમે NRC માટે પોતાના દાવા અને વાંધાઓ સુપરત કરવા અંગેની ડેડલાઈન ૧૫મી ડિસેમ્બર સુધી વધારી દીધી છે. આ ઉપરાંત, પોતાની રાષ્ટ્રીયતા સાબિત કરવા માટે કહેવાતા ગેરકાયદે નાગરિકોને વધુ પાંચ દસ્તાવેજો પુરાવા તરીકે રજૂ કરવા માટે છૂટ આપી છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી બેન્ચે આ આદેશ કર્યો હતો. અગાઉ NRC કો-ઓર્ડિનેટર દ્વારા જે પાંચ દસ્તાવેજોને માન્ય રાખવાનો ઈનકાર થયો હતો તેને પણ હવેથી માન્ય રાખવા માટે આદેશમાં કહેવાયું છે. આ પાંચ દસ્તાવેજોમાં ફય્ઘ્સ ાસ, ૧૯૬૬ અને ૧૯૭૧ની મતદાર યાદી, ૧૯૭૧ સુધીનું શરણાર્થી અંગેનું સર્ટિફિકેટ તેમજ ૧૯૭૧ સુધીનું રેશન કાર્ડ પણ માન્ય રહેશે.

હવે, NRC ડ્રાફટમાં સમાવેશ અને રદબાતલ થવા માટે કુલ દસ દસ્તાવેજો રજૂ કરી શકાશે. આ સાથે સુપ્રીમ કોર્ટે રાજયના NRC કો-ઓર્ડિનેટર પ્રતીક હાલેજાના રિપોર્ટ અંગે પોતાના અભિપ્રાયો આપવા માટે પણ જણાવ્યું છે. હાલેજાએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, જે પાંચ દસ્તાવેજોનો સમાવેશ કરવામાં આવ્યા છે તેની નકલ સહેલાઈથી થઈ શકે છે.

કોર્ટે દસ્તાવેજોના વેરિફિકેશન અને દાવાની ચકાસણી માટે ૧૫મી જાન્યુઆરી છેલ્લી તારીખ રાખી હતી પણ હવે તેમાં વધારો કરીને પહેલી ફેબ્રુઆરી કરી છે. ઉલ્લેખનીય છે કે એનઆરસી લિસ્ટ ૩૦મી જુલાઈએ જાહેર કરવામાં આવ્યું હતું અને તેમાં આસામની ૩.૨૯ કરોડ વસતીમાંથી ૨.૮૯ કરોડ લોકોનાં નામની નોંધણી થઈ હતી. બાકીના ૪૦ લાખ લોકો બહાર રહી ગયાં હતાં જેના કારણે વિવાદ થયો હતો.(૨૧.૧૦)

(11:31 am IST)