Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

દાગી નેતાઓ સામે સુપ્રિમની લાલઆંખઃ આજીવન પ્રતિબંધ અંગે કરશે વિચાર

આપરાધિક મામલાઓમાં દોષિત જાહેર થયેલા નેતાઓને જીવનભર ચૂંટણી લડવાથી વંચિત કરવા અંગેની માંગણી પર સુપ્રિમ કોર્ટ ટૂંક સમયમાં સુનાવણી કરશેઃ કોર્ટે આ મામલાને ગંભીર ગણાવ્યોઃ સરકારી કર્મચારી કે અધિકારી દોષિત ઠરે તો નોકરીથી હાથ ધોવા પડે છે પરંતુ નેતાઓને શા માટે રાહત ? અરજીમાં ઉઠાવાયો સવાલઃ ૪ ડિસેમ્બરે સુનાવણી

નવી દિલ્હી, તા. ૨ :. સુપ્રિમ કોર્ટે જણાવ્યુ છે કે, તે આપરાધિક મામલામાં દોષિત ઠેરવાયેલા નેતાઓ ઉપર આજીવન ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મુકવાની અરજી ઉપર વિચાર કરશે. સુપ્રિમ કોર્ટે આ મામલાને ગંભીર ગણ્યો છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની આગેવાની હેઠળની બેંચે ફરીયાદીને કહ્યુ છે કે, પોતાની માંગણી અંગે ટસના મસ ન થાય. ફરીયાદી અશ્વિની ઉપાધ્યાયે અરજીમાં કહ્યુ છે કે જન પ્રતિનિધિત્વ કાયદાની કલમ ૮ (૩) અનુસાર જો કોઈને બે વર્ષથી વધુની સજા થાય તો તે સજા કાપ્યાના છ વર્ષ સુધી ચૂંટણી લડી નથી શકતો. અરજીમાં જણાવાયુ છે કે જેવા નેતાને આપરાધિક મામલામાં દોષિત ઠેરવવામાં આવે તો તેને આજીવન ચૂંટણી લડતા અટકાવવા જોઈએ. સરકારી અધિકારીને સજા થયા બાદ આજીવન નોકરીમાંથી હાથ ધોઈ નાખવા પડે છે તો પછી નેતાઓને શા માટે મહત્વ આપવામાં આવે છે ? સુપ્રિમ કોર્ટે કહ્યુ છે કે, મામલો ગંભીર છે અને તે ૪ ડીસેમ્બરે સુનાવણી કરશે.

સુનાવણી દરમિયાન કોર્ટ સલાહકારે કહ્યુ હતુ કે, દાગી નેતાઓ વિરૂદ્ધ મામલાની સુનાવણી માટે દેશના દરેક જિલ્લામાં એક સેસન્સ કોર્ટ થાય અને એક મેજીસ્ટ્રેટ કોર્ટને આવા મામલાની સુનાવણી માટે પસંદ કરવા જોઈએ. સરકાર તરફથી આવેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ હતુ કે, સરકારને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે જોડાયેલા આપરાધિક મામલાની ખાસ સુનાવણી કરવા માટે ખાસ અદાલત રચવા સામે કોઈ વાંધો નથી. આવા કેસ માટે ૭૦ સ્પેશ્યલ કોર્ટ બનાવવાની જરૂર છે.

સુનાવણી દરમિયાન ખંડપીઠે આ મામલાથી વિચાર કરવાનો નિર્ણય લેતા પહેલા એવુ જાણવા પ્રયાસ કર્યો હતો કે, સુપ્રિમ કોર્ટના એ આદેશનું શું થયુ ? જેમા દાગી નેતાઓ વિરૂદ્ધ નોંધાયેલ કેસનો નિકાલ એક વર્ષની અંદર પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

અરજીમાં એડીઆરના રીપોર્ટનો હવાલો આપવામાં આવ્યો છે કે સાંસદો અને ધારાસભ્યો વિરૂદ્ધ ૧૩૬૮૦ કેસ પેન્ડીંગ છે.(૨-૩)

(10:20 am IST)