Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

આગ્રામાં ખ્રિસ્તીઓના કાર્યક્રમમાં હલ્લાબોલઃ પાદરીઓ ઉપર ધર્માંતરણનો આરોપઃ હોકી સ્ટીક વડે ધોલાઈઃ મહિલાઓના કપડા ફાડવામાં આવ્યાં

પાદરીઓનો આરોપ...જય શ્રી રામના નારા સાથે ટોળુ હોટલમાં યોજાયેલા કાર્યક્રમમાં ઘુસી ગયું: મહિલાઓ સાથે છેડછાની થઈઃ વાળ પકડી ઘસેડવામાં આવી

આગ્રા, તા. ૨ :. ઉત્તર પ્રદેશના આગ્રામાં કેટલાક પાદરીઓ ઉપર ધર્માંતરણ કરવાનો આરોપ લગાવીને તેમની ધોલાઈ કરવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે ઘટનાના પાંચ કલાકની અંદર ૭ પાદરીઓ ઉપર કેસ નોંધ્યો છે. જેમના ઉપર બે સમુદાયો વચ્ચે ધાર્મિક આધાર પર કટુતા પેદા કરવાનો આરોપ છે. જો કે જે લોકોએ આ પાદરીઓની ધોલાઈ કરી હતી તેઓની ઉપર કેસ કરવામાં ૨૪ કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ધોલાઈનો શિકાર બનેલા એક પાદરીએ ૮ લોકો વિરૂદ્ધ નામજોગ જ્યારે ૧૫ અજાણ્યા લોકો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. આમાથી કેટલાકના સંબંધ વિહિપ સાથે હોવાનું બહાર આવ્યુ છે.

પાદરી રવિકુમારે પોતાની ફરીયાદમાં આરોપ લગાવ્યો છે કે, મંગળવારે આગ્રાની એક હોટલમાં આયોજીત મીટીંગમાં ૨૦ થી ૨૫ લોકો જય શ્રી રામના નારા લગાવતા ઘુસ્યા હતા. જે પછી તેઓએ પાદરીઓની હોકીથી ધોલાઈ કરી હતી. આ સિવાય મીટીંગમાં સામેલ મહિલાઓના કપડા ફાડયા હતા અને તેઓના વાળ પકડી ઘસેડવામાં આવી હતી. પોલીસે કહ્યુ છે કે હોટલમાં ધર્માંતરણ થયાના આરોપોની અમે તપાસ કરીએ છીએ.

પાદરીઓનું કહેવુ છે કે કાર્યક્રમ યુપી ફેમીલી ચર્ચના બેનર હેઠળ યોજાયો હતો. અમે ક્રિસમસના આયોજનની તૈયારી કરવા ભેગા થયા હતા. જેમાં વિવિધ ચર્ચના પાદરીઓ ઉપરાંત ૧૦૦થી વધુ લોકો હોટલમાં હાજર હતા. તેઓએ આરોપ મુકયો છે કે ૩ મહિલાઓ સાથે છેડછાની થઈ હતી અને તેઓને ગાળો પણ આપવામાં આવી હતી.

પોલીસનું કહેવુ છે કે જ્યાં કાર્યક્રમ યોજાયો હતો ત્યાં સીસીટીવી કેમેરા ન હતા.(૨-૪)

(10:11 am IST)