Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

'ભારત અને વિશ્વને ગાંધીની જરૂર કેમ છે?'

PM મોદીએ લેખ લખીને દુનિયાને સમજાવ્યું : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતી પર ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક લેખ લખ્યો છે

નવી દિલ્હી, તા.૨: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતી પર ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક લેખ લખ્યો છે. આ લેખમાં પીએમ મોદીએ લખ્યું છે કે ૧૯૨૫માં મહાત્મા ગાંધીએ યંગ ઈન્ડિયામાં લખ્યું હતું કે રાષ્ટ્રવાદી થયા વગર આંતરરાષ્ટ્રીય થઈ શકાય નહીં. આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ ત્યારે જ બની શકે છે, જયારે દેશના લોકો સંગઠિત બને અને આખો દેશ એક વ્યકિતની જેમ કામ કરે. આ લેખનું શિર્ષક છે 'ભારત અને વિશ્વને ગાંધીની જરૂર કેમ છે?'

આ લેખમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લખ્યું છે કે મહાત્મા ગાંધીનો રાષ્ટ્રવાદ સિમિત નહતો પરંતુ માનવતાની સેવા માટે હતો. તેમણે લખ્યું કે બાપુ પાસેથી ગરીબો માટે કામ કરવાની પ્રેરણા મળી. મહાત્મા ગાંધીએ સમાજના દરેક વર્ગમાં ભરોસો જતાવ્યો. બાપુમાં વિરોધી વિચારોને પણ સાથે લાવવાની ક્ષમતા હતી.

તેમણે લખ્યું કે આવો આપણે આપણી દુનિયાને સમૃદ્ઘ, નફરત, હિંસા અને પીડાથી મુકત બનાવવા માટે ખભેથી ખભો મેળવીને કામ કરીએ અને મહાત્મા ગાંધીના સપનાને પૂરું કરીએ. પીએમ મોદીએ કહ્યું કે જે બીજાના દર્દને મહેસૂસ કરે છે તે જ સાચો માનવી છે.

પીએમ મોદીએ લેખમાં લખ્યું છે કે અમે ભારતને સ્વચ્છ બનાવવાનું કામ કરી રહ્યાં છીએ. ગરીબી ખતમ કરવામાં ભારત સૌથી આગળ છે. અમારા સ્વચ્છતાના પ્રયાસોએ વૈશ્વિક ધ્યાન આકર્ષિત કર્યું છે. ભારત આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન જેવા પ્રયાસોના માધ્યમથી રિન્યુએબલ રિસોર્સિસનો ઉપયોગ કરવાનું નેતૃત્વ પણ કરી રહ્યું છે જે સ્થાયી ભવિષ્ય માટે સૌર ઉર્જાનો લાભ ઉઠાવવા માટે અનેક દેશોને એક સાથે લાવ્યું છે. અમે દુનિયાની સાથે અને દુનિયા માટે હજુ વધુ કરવા માંગીએ છીએ.

(3:53 pm IST)