Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

દ.આફ્રિકામાં મોબ લિંચિંગથી ગાંધીજી બચી ગયા હતા

ગાંધીજી જયારે પોતાના પરિવાર સાથે ડર્બન પરત ગયા ત્યારે તેમના જહાજને ત્રણ દિવસ સુધી લાંગરવા દેવામાં આવ્યું ન હતું અને આખરે જયારે તેઓ જહાજમાંથી ઊતર્યા ત્યારે શ્વેત લોકોએ તેમને માર માર્યો હતો

ભારત માટે કલંકરૂપ એવા મોબ લિંચિંગને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ૧૦૦ જેટલા લોકોનાં મોત થયાં છે. જો કે મોબ લિંચિંગ એ કોઇ નવી બાબત નથી. ૧૨૫ વર્ષ પૂર્વે યુવાન ભારતીય વકીલ મોહનદાસ કરમચંદ ગાંધીને પણ દ.આફ્રિકામાં આવા અજાણ્યા અને બેપરવાહ એવા ટોળાનો સામનો કરવો પડ્યો હતો. જો કે તેઓ મોબ લિંચિંગનો ભોગ બનતા બચી ગયા હતા અને આ માટે તેઓ નસીબશાળી હતા.

બેરીસ્ટર ગાંધી ૧૮૯૩માં દાદા અબ્દુલ્લાને તેમના બિઝનેસમાં કાનૂની સહાય કરવા દ.આફ્રિકા આવ્યા હતા અને ત્રણ વર્ષમાં તેમણે દ.આફ્રિકામાં રંગભેદ સામે લડીને અને ભારતીયોના હિત માટે પણ ઝઝૂમીને સ્વયંને રાજકીય નેતા તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. ગાંધીજીએ પોતાના સંઘર્ષ માટે ૨૨ ઓગસ્ટ ૧૮૯૪ના રોજ નેશનલ ઇન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી હતી અને ૧૮૮૬માં પોતાની લડત ચાલુ રાખવા માટે ભારત પરત આવ્યા હતા. જો ગાંધી મોબ લિંચિંગના પ્રયાસમાં બચી ગયા ન હોત તો વિશ્વને મહાત્મા ગાંધી કયારેય મળત નહીં. ગાંધી જયારે રાજકોટમાં હતાં ત્યારે ૨૭ વર્ષની ઉમરે તેમણે ગ્રીન પેમ્ફ્લેટ લખ્યું હતું. જેમાં તેમણે દ.આફ્રિકામાં ભારતીય શ્રમિકો અને કુલીઓની સ્થિતિ બેનકાબ કરી હતી અને ત્યાં ચાલતા માનવ અધિકાર ભંગને પણ ઉઘાડો પાડ્યો હતો.

આ ગ્રીન પેમ્ફ્લેટને બ્રિટીશ સરકાર વિરોધી પ્રકાશન તરીકે ગણ્યું હતું. ગાંધી જયારે પોતાના પરિવાર સાથે ડર્બન પરત ગયાં ત્યારે તેમના જહાજને ત્રણ દિવસ સુધી લાંગરવા દેવામાં આવ્યું ન હતું અને આખરે જયારે તેઓ જહાજમાંથી ઉતર્યા ત્યારે શ્વેત લોકોએ તેમને માર માર્યો હતો પરંતુ ડર્બનના પોલીસ અધિક્ષક આરએસ એલેકઝાંડરના પત્ની સારાહ એલેકઝાન્ડર એ વખતે એ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે ગાંધીને બચાવ્યા હતા. સારાહે ટોળાથી રક્ષણ આપવા માટે ગાંધી પર પોતાની છત્રી ખોલી નાખી હતી.

ત્યારબાદ સારાહે પોતાના પતિને જાણ કરી હતી અને પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને ગાંધીજીને મોબ લિંચિંગમાંથી બચાવ્યાં હતા. ગાંધીને તેમના મિત્ર જીવનજી રુસ્તમજીના ઘરે લઇ જવામા આવ્યાં હતાં કે જયાં તેમના પત્ની અને બાળકો પહોંચી ગયા હતા. ગાંધીના કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા. તેમના શરીર પર અનેક ઝખમો હતા. ડોકટરને બોલાવીને તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ જેવા ગાંધીજી રૂસ્તમજીને ત્યાં પહોચ્યાં તો ટોળું ત્યાં પણ આવી પહોંચ્યું હતું અને ગાંધીને પોતાના હવાલે કરી દેવા માગણી કરી હતી. પોલીસ અધિક્ષક એલેકઝાન્ડરની સલાહ પર ગાંધીએ પોતાને પોલીસકર્મી તરીકેના સ્વાંગમાં છૂપાવીને ત્યાંથી સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા. ગાંધીને ટોળા દ્વારા રહેંસી નાખવાના પ્રયાસો થયાં છે એવા સમાચાર બ્રિટીશ સરકાર સુધી પહોંચતાં કોલોનિયલ સેક્રેટરી જોસેફ ચેન્બર્લીને હુલ્લડખોરો વિરૂદ્ઘ કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. જો કે ગાંધીએ કોઇ કાર્યવાહી નહીં કરવા વિનંતી કરી હતી. ગાંધીએ સરકારને લખ્યું હતું કે હુમલાખોરો યુવાનો હતા અને રોઇટર્સમાં પ્રસિદ્ઘ થયેલ ખોટા સમાચારોથી તેઓ ભરમાઈ ગયા હતા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ માટે ત્યાં પોતાનું કાર્ય ચાલુ રાખ્યું હતું. (સૌ. : ન્યૂ ઇન્ડિયન એકસપ્રેસ)

(1:20 pm IST)