Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

પિતાને ટ્રેનમાં ઊંઘતા છોડી પુત્રી પ્રેમી સાથે ફરાર થઈ

જોધપુરથી બેંગલુરુ જતી ટ્રેનમાં ચોંકાવનારી ઘટના : પિતા આણંદમાં ટ્રેનમાં સુઈ ગયા અને વડોદરામાં આંખ ખોલી તો પુત્રી ગાયબ હતી, સીસીટીવીના આધારે તપાસ

વડોદરા , તા. : પિતાને ટ્રેનમાં ઊંઘતા છોડીને એક છોકરી વડોદરા સ્ટેશન પર ઉતરી પ્રેમી સાથે રફુચક્કર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. બનાવની વિગત એવી છે કે, રાજસ્થાનના જોધપુરથી બેંગલુરુ જઈ રહેલી ટ્રેનમાં એક વ્યક્તિ પોતાની ૧૭ વર્ષની દીકરી સાથે મુસાફરી કરી રહ્યા હતા. આણંદ સ્ટેશન આવતા તેઓ પોતાની બર્થ પર સૂઈ ગયા હતા. જોકે, વડોદરા આવ્યું ત્યારે અચાનક તેમની આંખ ખૂલતા તેમણે જોયું તો તેમની દીકરી ગાયબ હતી.

છોકરી ટ્રેનમાં હશે તેવું માનીને તેના પિતા થોડી વાર તો બેસી રહ્યા હતા. જોકે, ટ્રેન વડોદરાથી ઉપડી ગયા બાદ પણ છોકરી તેની સીટ પર પરત ના આવતા તેમના મનમાં ઉચાટ શરુ થયો હતો. તેમણે દીકરીને શોધવાનું શરુ કર્યું હતું, પરંતુ તેનો ક્યાંય પત્તો નહોતો મળ્યો. કંઈક અજુગતું થયું હોવાના ડરે છોકરીના પિતા સુરત સ્ટેશને ઉતરી ગયા હતા. ત્યારબાદ તેમણે ભરુચ અને વડોદરા સ્ટેશને તપાસ કરી હતી, પરંતુ છોકરીની કોઈ ભાળ નહોતી મળી.

આણંદ સુધી પોતે જાગતા હતા, અને સુરત ઉતર્યા હતા તે દરમિયાન છોકરી વડોદરા અથવા ભરુચ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરી હોવી જોઈએ તેવી તેના પિતાને પાકી શંકા હતી. જોકે, તેની કોઈ ભાળ ના મળતા તેઓ જોધપુર પરત ફર્યા હતા. થોડા સમય બાદ તેઓ વડોદરા રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, અને ત્યાં તેમણે પોલીસને અંગે વાત કરતાં ૨૮મી ઓગસ્ટના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં છોકરી સ્ટેશનના ગેટની બહાર જતી જોવા મળી હતી.

છોકરી વડોદરા સ્ટેશને ઉતરી હતી તે કન્ફર્મ થઈ જતાં તેના પિતાએ તેના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમની દીકરીને ૨૫ વર્ષનો ચંદનસિંગ નામનો એક શખસ ભગાડી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરીના પિતા મૂળ રાજસ્થાનના છે, અને કર્ણાટકના બેલગામ જિલ્લામાં સુથારીકામ કરે છે. તેમની સાથે શકમંદ ચંદનસિંહ પણ કામ કરતો હતો.

ફરિયાદીના જણાવ્યા અનુસાર, ચંદનસિંહ અને ફરિયાદીની દીકરી એકબીજા સાથે ફોન પર વાતો કરતા હતા, અને ચંદનસિંહ તેમના ઘરે પણ આવતો-જતો હતો. બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની પણ ફરિયાદીને એક સમયે જાણ થઈ ગઈ હતી. હાલ પોલીસે ફરિયાદના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(7:08 pm IST)