Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ઇન્ટરનેટ કનેકશન માટે ગરીબોને સબસીડીની શકયતા

શરૂઆતમાં ૨૦૦ રૂપિયાની મદદ અપાવી જોઇએઃ ટ્રાઇ

નવી દિલ્હી, તા.૨: આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોમાં બ્રોડબેન્ડ  કનેકશન લેવા માટે ગરીબોને સબસીડી પણ આપી શકે છે. આ પ્રકારની ભલામણ ભારતીય દૂરસંચાર નિયામક ઓથોરીટી (ટ્રાઇ)એ કરી છે. ટ્રાઇએ કહયું છે કે સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેકશન માટે શરૂઆતમાં વ્યકિત દીઠ મહત્તમ ૨૦૦ રૂપિયા સુધીની સબસીડી આપવી જોઇએ. આ રકમ ડાયરેકટ બીનીફીટ ટ્રાન્સફર (ડીબીટી)ના માધ્યમથી આપી શકાય છે. દુરસંચાર નિયામકે કહ્યું છે કે કોરોના સંકટના વર્તમાન કાળમાં વર્ક ફ્રોમ હોમની સાથે ઘેરથી શાળાકીય અભ્યાસ અને અન્ય ધંધાકીય પ્રવૃતિઓ વધવાથી ઇન્ટરનેટની સ્પીડમાં વધારો જરૂરી છે. એટલે ઇન્ટરનેટ સ્પીડને ન્યુનતમ ૫૧૨ કેબીપીએસથી વધારીને બે એમ બી પી એસ કરવાની જરૂર છે. ટ્રાઇનું માનવું છે કે સ્પીડમાં વધારા માટે બ્રોડબેન્ડ ઉપલબ્ધ કરાવનારી કંપનીઓની પડતર ઘટાડવી પડશે એટલે લાયસન્સ ફી ઘટાડવાની જરૂર પડશે. અત્યારે બ્રોડબેન્ડ  કંપનીએ પાસેથી તેમની આવકના ૮ ટકા લાયસન્સ ફી રૂપે બસૂલાય છે.

ટ્રાઇએ બ્રોડબેન્ડ સેવાઓની ત્રણ શ્રેણીઓનું સૂચન કર્યુ છે. તેમાં લઘુત્તમ બે એમબીપીએસની ડાઉનલોડ સ્પીડવાળી બેઝીક સેવા, ૫૦ થી ૩૦૦ એમ બી પી એસની ડાઉનલોડ સ્પીડવાળી બેઝીક સેવા, ૫૦ થી ૩૦૦ એમબીપીએસની ઝડપી સેવા અને ૩૦૦ એમબીપીએસથી વધારેનો સુપરફાસ્ટ સેવા સામેલ છે.

ઇન્ટરનેટ સેવાનું અવનવું

 ૨૫ કરોડથી વધારે લોકો હજુ પણ ટુ-જી સેવા વાપરે છે.

 દેશમાં ૫૭ કરોડથી વધારે ઇન્ટરનેટ યુઝર્સ, વિશ્વમાં ચીન પછી બીજો નંબર છે ભારતનો.

 ઇન્ટરનેટની પહોંચ ૪૫ ટકા વસ્તી સુધી

 ૨૦૨૩ સુધીમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા ૬૫ કરોડ.

 એક મહિનામાં એક યુઝર ૧૩૪૬૨ એમબી ડેટા વાપરે છે.

 અત્યારે દેશમાં ૫૧૨ કેબીપીએસની સ્પીડને બ્રોડબેંડ ગણવામાં આવે છે.

દેશમાં મોટા ભાગના યુઝર્સ ઓનલાઇન વીડીયો જોવામાં વાપરે છે ડેટા.

(12:54 pm IST)