Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ડો. ગુલેરિયા શાળાઓ ખોલવાની તરફેણમાં

શાળાઓ ખોલોઃ બાળકોના રસીકરણમાં ૯ મહિના લાગશે

નવી દિલ્હી, તા. ૨ :. દેશમાં કોરોના સંક્રમણના કેસ ફરીથી વધી ગયા છે. આ મહિને ત્રીજી લહેર આવવાની આશંકા છે, તો આ તરફ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ૧ સપ્ટેમ્બરથી બાળકો માટે શાળાઓ ખોલી નખાઈ છે પણ દેશમાં હજુ સુધી બાળકો માટે રસી ઉપલબ્ધ નથી. સરકારના આ નિર્ણયે નિષ્ણાંતો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ વચ્ચે દલીલો શરૂ કરી દીધી છે કે રસીકરણ વગર બાળકો શાળાએ કેવી રીતે જાય ? આ બધાની વચ્ચે એઈમ્સના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરીયાએ કહ્યું છે કે ભારતમાં બધા બાળકોને રસીકરણ કરવામાં નવ મહિનાનો સમય લાગશે એટલે આટલા લાંબા સમય સુધી બાળકોના ભવિષ્ય સાથે ચેડા ના કરી શકાય. બાળકોના વિકાસ માટે શાળાઓ ખુલવી જરૂરી છે કેમ કે બાળકો માટે શારીરિક સંપર્ક મહત્વનો છે.

શાળાઓ ખોલવા બાબતે ડો. ગુલેરીયાએ કહ્યું કે એવી જગ્યાઓએ શાળાઓ ખોલી શકાય છે જ્યાં કોરોનાના કેસ ઓછા છે. ગુલેરીયાએ જણાવ્યુ કે બધા બાળકો પાસે ઓનલાઈન અભ્યાસની સુવિધા નથી હોતી અને ના તો એવું વાતાવરણ હોય છે. એટલે શાળાઓ ખોલવી જરૂરી છે. તેમણે કહ્યું કે લગભગ શાળાઓમાં રસી મુકાઈ ચુકી છે, ત્યાંની પરિસ્થિતિ સૌથી વધારે અનુકુળ છે. તેમણે બધા શિક્ષકો અને સ્ટાફને અપીલ કરી છે કે તેઓ જાતે આગળ આવીને રસી મુકાવે. ડો. ગુલેરીયાએ શાળા પ્રશાસનને લંચ બ્રેક અને અન્ય કોઈ પણ સમયે ભીડ એકઠી ના થવા દેવાની અપીલ કરતા કહ્યું કે બાળકો સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરે છે કે નહીં ? તેનુ આપણે પુરૂ ધ્યાન રાખવું પડશે.

(11:59 am IST)