Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

આઝાદીના ૭૫ વર્ષ નિમિતે કોંગ્રેસની વર્ષભર ઉજવણીઃ મનમોહનસિંહના નેતૃત્વમાં સોનિયાએ બનાવી ૧૧ સદસ્યોની કમિટી

મહાત્મા ગાંધી અને અન્ય નેતાઓ અને કાર્યકરોની આગેવાની હેઠળની પાર્ટીએ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આગવી ભૂમિકા ભજવી હતીઃ વેણુગોપાલ

નવી દિલ્હી, તા.૨: કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશની આઝાદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે વર્ષભરની ઉજવણીની યોજના અને સંકલન માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં ૧૧ સભ્યોની સમિતિની રચના કરી છે. મનમોહન સિંહ સિવાય આ સમિતિના અન્ય સભ્યો ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટોની, પૂર્વ સ્પીકર મીરા કુમાર પક્ષના વરિષ્ઠ નેતાઓ અંબિકા સોની અને ગુલામ નબી આઝાદ હશે. પાર્ટી દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.

એવું કહેવામાં આવ્યું છે કે પાર્ટીના મહાસચિવ મુકુલ વાસનિક સમિતિના કન્વીનર હશે. સમિતિના સભ્યોમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા, પક્ષના નેતા પ્રમોદ તિવારી, મુલ્લાપલ્લી રામચંદ્રન, કેઆર રમેશ કુમાર અને સાંસદ પ્રદ્યુત બોરદોલોઇનો સમાવેશ થાય છે.

આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.સી. વેણુગોપાલ દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે દેશની આઝાદીની ૭૫ મી વર્ષગાંઠની ઉજવણી માટે વર્ષભર ઉજવણી કરવાની જાહેરાત કરી છે. ભારત પોતાની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવી રહ્યું છે.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તમામ રાજયોમાં વર્ષભર ઉજવણીનું આયોજન કર્યું છે અને તમામ જિલ્લાઓમાં સ્વતંત્ર સેનાની અને શહીદ સન્માન દિવસનું આયોજન કરવા માટે સમિતિઓએ નિર્ણય કર્યો છે.

વેણુગોપાલે કહ્યું હતું કે મહાત્મા ગાંધી અને અન્ય નેતાઓ અને કાર્યકરોની આગેવાની હેઠળની પાર્ટીએ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આગવી ભૂમિકા ભજવી હતી. 'સત્યાગ્રહ'થી 'સોલ્ટ માર્ચ', 'અસહકાર આંદોલન'થી 'ભારત છોડો આંદોલન' સુધી, તે શાહી અને વસાહતી બ્રિટિશ શાસન સામે વિશ્વની સૌથી મોટી અને સૌથી લાંબી 'અહિંસા ચળવળ' તરફ દોરી અને છેવટે દેશની આઝાદી હાંસલ કરી. આઝાદી પછી, કોંગ્રેસે આધુનિક અને વાઇબ્રન્ટ ભારતનો માર્ગ મોકળો કર્યો, જે વિશ્વના સૌથી પ્રગતિશીલ દેશોમાં મોખરે છે.

તેમણે કહ્યું હતું કે, 'આઝાદી સરળ નહોતી કારણ કે નિરંકુશ વ્યકિતઓ અને સંગઠનો, જેમાંથી મોટા ભાગનાએ પછી અંગ્રેજોનો પક્ષ લીધો હતો અને સ્વતંત્રતા ચળવળનો વિરોધ કર્યો હતો. તેઓ હવે આપણી રાજનીતિ અને લોકશાહીના પાયાને જ પડકારી રહ્યા છે.

તેમનો એજન્ડા વ્યકિતગત સ્વતંત્રતાને ઘટાડવાનો, સામાજિક અન્યાયને કાયમ રાખવાનો, સંસ્થાકીય સ્વાયત્તતાનો નાશ કરવાનો, જાતિ-ધાર્મિક વિભાગો બનાવવા અને આપણા બંધારણ અને રાષ્ટ્રીયતાના મૂળભૂત સિદ્ઘાંતો સાથે સમાધાન કરવાનો છે. આજે આપણી સ્વતંત્રતા જાળવવાની જવાબદારી આપણી છે.

(11:59 am IST)