Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

સુપર ૩૦ની જેમ એનડીએ માટે તૈયાર કરાશે એનસીસી કેડેટ

સૈન્ય દળોમાં અધિકારી તરીકે ભરતી કરાવવા ખાસ તૈયારીઓ કરાવાશેઃ દરેક રાજયોમાં બનાવાશે બેચ

નવી દિલ્હી, તા.૨: સૈન્યદળોમાં એનસીસી કેડેટસને અધિકારી તરીકે ભરતી કરાવવા માટે મોટા પાયે તૈયારીઓ થઇ રહી છે. એનસીસી ડાયરેકટરોટે આના માટે એન્જીનીયરીંગના સુપર ૩૦ની જેમ દરેક રાજયમાં બેચ બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમને એનડીએની ખાસ તૈયારીઓ કરાવવામાં આવશે. આનો ઉદેશ એ છે કે દરેક વખતે એનડીએની પરીક્ષામાં વધુમાં વધુ કેડેટસ સીલેકટ થાય.

પટણાના આનંદકુમારે આઇઆઇટીમાં પ્રવેશ માટે થોડા વર્ષ પહેલા સુપર-૩૦ની સ્થાપના કરી હતી જે બહુ જ સફળ રહી હતી. તેમાં ૩૦ વિદ્યાર્થીઓની બેચ બનાવવામાં આવે છે અને તેમને ખાસ કોચીંગ આપીને જેઇઇ મેઇન અને એડવાન્સ પરિક્ષાની તૈયારી કરાવવામાં આવે છે મોટા ભાગે તેના ૩૦માંથી ૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સીલેકટ થાય છે. આ પેટર્નને એનસીસી પણ અપનાવી રહી છે.એનસીસીના સુત્રો અનુસાર, અત્યારે સૈન્ય દળોમાં અધિકારી તરીકે એનસીસીમાંથી દર વર્ષે ૨૨-૩૦ અધિકારીઓ જ સીલેકટ થાય છે. આ આંકડો બહુ ઓછો છે. તેને વધારવા માટે બધા રાજયોમાં એક એક સુપર ૩૦ બેચ બનાવવાની તૈયારી કરાઇ રહી છે. આગામી બેથી ત્રણ વર્ષોમાં આ બધા રાજયોમાં આવી બેચની રચના કરીને પરીક્ષાની તૈયારીઓ શરૂ પણ કરી દેવામાં આવશે. આ મુદા પર થોડા સમય પહેલા એનસીસીએ રક્ષા મંત્રાલયની સંસદીય સમિતિ સમક્ષ પણ એક પ્રેઝન્ટેશન આપ્યું હતું.

એનસીસીનો વ્યાપ ઘણો મોટો છે

 એનસીસીની વિવિધ શ્રેણીઓમાં ૧૫ લાખ કેડેટસ છે.

 ૩૪ ટકા કેડેટસ છે છોકરીઓ

 દેશના દરેક રાજયના દરેક જીલ્લામાં એનસીસી

દેશમાં ૧૭ હજારથી વધારે શૈક્ષણિક સંસ્થાઓ જોડાયેલી છે.

 હાલમાં ૫૮ ટકા કેડેટસ શહેરી વિસ્તારના અને ૪૨ ટકા ગ્રામ્ય વિસ્તારના છે.

 આ યોજનાથી ગ્રામ્ય વિસ્તારના કેડેટરોને બહુ સારી તક મળશે.

(11:58 am IST)