Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

નવા કૃષિ કાયદા બાદ ગુજરાતની ૧૫ APMCને તાળા

રાજ્યની ૨૨૪ પૈકી ૧૧૪ને બંધ કરવી પડે તેવી સ્થિતિ : આવક બંધ : પગાર ચુકવવાના ફાફા : કાળા કાયદા રદ્દ કરવાની માંગણીસર દિલ્હીમાં હજુ પણ આંદોલન ચાલુ છે : બજાર સમિતિઓની આવકને માઠી અસર

નવી દિલ્હી તા. ૨ : કેન્દ્ર સરકારના જે ત્રણ કૃષિ કાયદાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે, તે કાળા કાયદાની આડઅસર ગુજરાતની રર૪ એપીએમસીમાં ઓછા-વત્તા અંશે વર્તાઇ રહી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. બદલાયેલા કૃષિ કાયદા બાદ રાજયની ૧૫ APMCને તાળાં લાગી ગયા છે. એટલું જ નહીં ટૂંક સમયમાં ૧૧૪ એપીએમસી બંધ થઇ જાય તેવી નોબત ઊભી થઈ છે. આ ઉપરાંત કેટલીક એપીએમસીની આવક સદંતર બંધ થઇ જતાં કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ ફાંફાં પડી રહ્યા છે.

નવો કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે ખેડૂતો હજૂ પણ દિલ્હી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લાંબા ગાળે ખેડૂતો અને એપીએમસીની ઘોર ખોદનાર આ કાળો કાયદો રદ કરવા દેશભરમાંથી અવાજ ઊઠી રહ્યો છે. આ અંગે માહિતી આપતા એપીએમસી કર્મચારી મંડળના પ્રમુખ અજિતરસિંહ અટોદરીયાએ જણાવ્યું હતું કે, નવા કાયદાની અમલવારી બાદ ગુજરાતની ૨ર૪ એપીએમસીની હાલત કથળી છે. નાની માર્કેટની આવક સદંતર બંધ થઇ જવા પામી છે. જયારે વર્ષે દહાડે કરોડોનું ટર્નઓવર ધરાવતી બજાર સમિતિઓની આવકને અસર પડી છે.

નાની બજાર સમિતિની આવક બંધ થતાં તેઓએ માર્કેટને તાળાં મારી દેવાની ફરજ પડી છે. જયારે કેટલીક માર્કેટના હોદેદારોએ કર્મચારીઓને છૂટા કરવા પડ્યાં છે. બીજી તરફ કેટલીક બજાર સમિતિએ અડધા કર્મીઓને છૂટા કરી બાકીના કર્મચારીઓના પગાર ઘટાડી પોતાના ફંડમાંથી પગાર ચૂકવી રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતની બજાર સમિતિના કર્મચારીઓની આજીવિકાની સલામતી માટે ગાંધીનગરના દરવાજા ખખડાવ્યા છે.

રાજયની રર૪ એપીએમસીના ૩૦૦૦ કર્મચારીને સરકાર અથવા માર્કેટ બોર્ડ હસ્તક લઈ લેવામાં રજૂઆત કરી છે. નવા કાયદા બાદ સર્જાયેલી કર્મચારીઓની સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવા કર્મચારી મંડળ વતી માંગણી કરી છે.

15 APMCને તાળા લાગી ગયા

સોનગઢ, કડાણા, કઠલાલ, ધારી, ઉમરેઠ, વંથલી, તાલાલા, ધરમપુર, માંગરોળ, ગારિયાધાર, ખેડા, વિજયનગર, સંતરામપુર, શિહોર, તિલકવાડા

04 APMCએ સંખ્યાબંધ કર્મચારીને છૂટા કર્યા

કુતિયાણા, ધારી, ધ્રોલ, પોરબંદર

10 APMCએ કર્મીઓના પગાર પર કાપ મૂકયો

ધારી, હાંસોટ, માંડવી, વલસાડ, બગસરા, ખંભાત, લીલીયા મોટા. માતર, જંબુસર, આમોદ

07 APMCની આવક સદંતર બંધ

બરવાળા, ઉમરાળા, ગારિયાધાર, સોજીત્રા, વિજયનગર. શિહોર, કડાના

14 APMCની આવક બંધ, પોતાના ફંડમાંથી પગાર કરવાની ફરજ

લીલીયા મોટા, સોજીત્રા, કોટડાસાંગાણી, નડિયાદ, જંબુસર, ઝઘડિયા, ખાંભા, દામનગર, કેશોદ, ભરૂચ, રાજપીપળા, ગરૂડેશ્વર, ડેડીયાપાડા, સેલંબા

22 APMC ટૂંક સમયમાં કર્મચારીઓનો પગાર બંધ કરે તેવી નોબત

માંડવી, મહુધા, બગસરા, લીલીયા મોટા, કુતિયાળા, સોજીત્રા, કોટડાસાંગાણી,  જંબુસર, ઝઘડિયા, ખાંભા, પોરબંદર, દામનગર, કેશોદ, કડાના, સુત્રાપાડા, લાઠી, આમોદ, ભરૂચ, રાજપીપળા, ગરૂડેશ્વર, ડેડીયાપાડા, સેલંબા

  • નવા કૃષિ કાયદાથી બજાર સમિતિની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી

નવા એપીએમસી એકટને અમે મહદઅંશે આવકાર્યો છે, પરંતુ નવા કાયદાથી રાજયની બજાર સમિતિઓની આર્થિક સ્થિતિ પર ચોક્કસપણે ગંભીર અસર પડી છે. રાજયની ૧૧૪ બજાર સમિતિ થોડા મહિનામાં બંધ થવા જઇ રહી છે. તેમજ ગુજરાતની રર૪ એપીએમસીના ૩૦૦૦ કર્મચારીઓની આજીવિકા સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે. આવી ડામાડોળ પરિસ્થિતિ વચ્ચે સરકાર કર્મચારીઓની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી અપીલ છે.

- અજિતસિંહ અટોદરીયા, (પ્રમુખ - બજાર સમિતિ કર્મચારી મંડળ)

  • રાજયભરતી એપીએમસીના ૩૦૦૦ કર્મચારીઓની રોજગારી જોખમમાં

નવા કૃષિ કાયદાની અમલીકરણ બાદ રાજયની ૨૨૪ એપીએમસીમાં કામ કરતાં ૩૦૦૦થી વધુ કર્મયારીઓની રોજગારી સામે જોખમ ઉભું થયું છે. કેટલીક બજાર સમિતિએ આવક બંધ યતા કમંચારીઓને છૂટા કરી દીધા છે. તો કેટલીક બજાર સમિતિ દિવાળી સુધીમાં કર્મચારીઓને છૂટા કરે તેવી નોબત છે.

  • ૨૨ APMCના વેપારીઓએ યાર્ડ બહાર ખેતપેદાશનું વેચાણ શરૂ કરતા હાલત કફોડી

નવા કાયદા બાદ ખેડૂતો પોતાની ખેતપેદાશનું ગમે ત્યા વેચાણ કરી શકે છે. તેવી જ રીતે વેપારીઓ APMCની બહાર ખેતપેદાશનું વેચાણ પણ કરી શકે છે. જેને પગલે રાજયની ૨૨ એપીએમસી જેવી કે કોસંબા, નિઝર, નડિયાદ, સોનગઢ, દેવગઢ-બારીયા, મહુવા, વલસાડ, ખેડબ્રહ્મા, વઘોડિયા, લુણાવાડા, ડેસર, ડેડીયાપાડા, વાલિયા, બાવળા. બારડોલી, સંતરામપુર, લીલીયા મોટા, ખેડા, વિજયનગર, સુત્રાપાડા, લાઢી જેવી એપીએમસીમાંથી વેપારીઓ ખેતપેદાશનું વેચાણ કરવા માટે બહાર નીકળી જતાં આ માર્કેટ અત્યંત કફોડી હાલતમાં મુકાઇ ગઇ છે.

(10:43 am IST)