Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

શું ગોળ પાપડ GST ફ્રી અને ચોરસ પર લાગશે ટેકસ?

ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ગોળ પાપડ જીએસટી ફ્રી અને ચોરસ પર ટેકસ લાગે છે : તેના જવાબમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેકસીસ એન્ડ કસ્ટમ્સે કર્યું સ્પષ્ટીકરણ

નવી દિલ્હી,તા.૨: પાપડ દેશમાં કયાંય પણ કોઈપણ નામે ઓળખાતો હોય, તેના પર જીએસટી નથી લાગતો. સાથે જ તેના આકારના આધારે ટેકસનો દર અલગ-અલગ નથી હોતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેકસીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ આ સ્પષ્ટીકરણ જારી કર્યું છે. સીબીઆઈસીનું આ સ્પષ્ટીકરણ ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કાની ટ્વીટ પછી આવ્યું છે. તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, ગોળ આકારના પાપડને જીએસટીમાંથી મુકિત છે, જયારે ચોરસ પાપડ પર ટેકસ લાગે છે.

આરપીજી એન્ટરપ્રાઈઝના ચેરમેન ગોયન્કાએ મંગળવારે ટ્વીટ કરી હતી કે, 'શું તમને જાણ છે કે, ગોળ આકારના પોપડ પર જીએસટીમાંથી મુકિત છે, જયારે ચોરસ પાપડ પર જીએસટી લાગે છે. શું મને કોઈ સારા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ વિશે જણાવી શકશે, જે મને આની પાછળનો તર્ક સમજાવી શકે.'

સીબીઆઈસીએ મોડી રાત્રે ગોયન્કાની ટ્વીટને ટાંકતા ટ્વિટર પર લખ્યું કે, 'પાપડ કોઈપણ નામથી ઓળખાતો હોય, તેના પર જીએસટી નોટિફિકેશન સંખ્યા ૨/૨૦૧૭-સીટી (આર)ની એન્ટ્રી સંખ્યા ૯૬ અંતર્ગત જીએસટી નથી લાગતો. તે અંતર્ગત પાપડના આકારના આધારે કોઈ ભેદભાવ નથી કરાતો. આ નોટિફિકેશન cbic.gov.in પર ઉપલબ્ધ છે.' ઉલ્લેખનીય છે કે, દેશમાં ૧ જુલાઈ, ૨૦૧૭થી જીએસટી લાગુ છે. જીએસટીમાં કેન્દ્ર અને રાજયોના સ્તર પર લાગતા ઘણા ચાર્જને સમાવી લેવાયા છે.

આ પહેલા ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગ (એએઆર)ની ગુજરાત બેન્ચનું પણ કહેવું હતું કે, પાપડ પર શૂન્ટ જીએસટી લાગશે. આજે ટેકનોલોજીની પ્રગતિની સાથે, જૂના પારંપરિક ગોળ પાપડની સાથે-સાથે જુદા-જુદા આકારો અને સાઈઝના પાપડ ઉપલબ્ધ છે. એએઆર ગુજરાત મુજબ, જયાં સુધી જુદા-જુદા પ્રકારના પાપડોની સામગ્રી, નિર્માણ પ્રક્રિયા અને ઉપયોગ સંબંધમાં સામાન એક જેવા છે, આ બધા પાપડ એચએસએન ૧૯૦૫૯૦૪૦માં વર્ગીકૃત એક જ પાપડ રહેશે. હાલમાં આ વર્ગીકરણ માટે જીએસટી દર શૂન્ય છે.

(10:36 am IST)