Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ઓગસ્ટમાં જીએસટીની આવક ઘટીને રૂ. ૮૬૪૪૯ કરોડ

જુલાઇના મુકાબલે ૧ ટકાનો ઘટાડો નોંધાયો

નવી દિલ્હી તા. ૨ : ઓગસ્ટ મહિનામાં જીએસટીના સંગ્રહમાં ૧ ટકાનો ઘટાડો થયો છે અને તે ૮૬૪૪૯ કરોડ રૂપિયા રહ્યું છે. જે એક મહિના પહેલા જુલાઇમાં રૂપિયા ૮૭૪૨૨ કરોડ રૂપિયાથી ઓછું છે. જ્યારે કોરોના મહામારી અને લોકડાઉનને કારણે અર્થવ્યવસ્થા પર અસર બાદ આ વર્ષે ઓગસ્ટમાં આવકમાં વાર્ષિક ૧૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

નાણા મંત્રાલયે જણાવ્યું છે કે ઓગસ્ટમાં આવક અગાઉના વર્ષથી આ વર્ષના મુકાબલે માત્ર ૮૮ ટકા થઇ છે. ગયા વર્ષે જીએસટી આવક ૯૮૨૦૨ કરોડ રૂપિયા હતી. મંત્રાલયે કહ્યું છે કે આ ઘટાડો એટલા માટે છે કે નાના વેપારીઓએ વાર્ષિક રીટર્ન નથી ભર્યું. નાણા મંત્રાલયે કહ્યું છે કે એ પણ જોવાયું છે કે ૫ કરોડથી ઓછી આવકવાળા કરદાતા સપ્ટેમ્બર સુધી રિટર્ન ફાઇલમાં છુટનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

કોરોના વાયરસને રોકવા ૨૫ માર્ચથી લાગુ થયેલ ૬૮ દિવસના કડક દેશવ્યાપી લોકડાઉનને કારણે જીએસટીની આવકને મોટી અસર થઇ છે. એપ્રિલમાં ૭૨ ટકા ઘટીને તે ૩૨૧૭૨ કરોડ રહી હતી.

(11:43 am IST)