Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

દેશનાં અન્ય રાજયો કરતાં ગુજરાતમાં સૌથી વધુ પાકિસ્તાનીઓ જેલોમાં છે

૩૧ ડીસેમ્બર સુધીમાં ૩૬ ગુનેગારો અને ૨૫ અંડરટ્રાયલ કેદીઓ જેલમાં બંધ

નવી દિલ્હી, તા.૨: ગુજરાતની જેલોમાં સૌથી વધારે પાકિસ્તાની કેદીઓ બંધ છે, જેમાં ગુનેગારો અને અંડરટ્રાયલ સામેલ છે. આવું એટલા માટે છે કારણ કે ગુજરાતની બોર્ડર અને દરિયો પાકિસ્તાન સાથે જોડાયેલો છે.

૨૦૧૯ના જેલના કેદીઓના આંકડા અંગે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોએ (NCRB) જાહેર કરેલા રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન સહિત પાડોશી દેશ સાથે જમીન સીમાથી જોડાયેલા દેશના રાજયો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોની જેલમાં એટલા પાકિસ્તાની કેદીઓ બંધ નથી જેટલા ગુજરાતની જેલોમાં બંધ છે.

ગુજરાતની જેલોમાં ગયા વર્ષની ૩૧ ડિસેમ્બર સુધીમાં ૩૬ ગુનેગારો અને ૨૫ અંડરટ્રાયલ કેદીઓપાકિસ્તાનના હતા. બીજી તરફ પંજાબમાં ૧૩ ગુનેગારો અને ૨૦ અંડરટ્રાયલ, રાજસ્થાનમાં ૫ ગુનેગારો અને ૬ અંડરટ્રાયલ જયારે જમ્મુ-કાશ્મીરમાં ૧ ગુનેગાર અને ૨૪ અંડરટ્રાયલ હતા.

રસપ્રદ વાત એ છે કે, જે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સીમાથી પાકિસ્તાન સાથે નથી જોડાયેલા ત્યાંની જેલોમાં પણ પાકિસ્તાની કેદીઓ હતા. ઉત્તરપ્રદેશની જેલમાં ૨૮, દિલ્હીમાં ૧૭, મહારાષ્ટ્રમાં ૧૧, પશ્ચિમ બંગાળમાં ૭, તેલંગાણામાં ૫, કર્ણાટકમાં ૨, ઉત્ત્।રાખંડમાં ૧, મધ્યપ્રદેશમાં ૧ તેમજ તમિલનાડુમાં ૧ પાકિસ્તાની કેદી હતા.

એકંદરે, ગુજરાત પાસે ગુનેગાર અને અંડરટ્રાયલ સહિત ૯૫ વિદેશી કેદીઓ હતા. જેમાંથી ૧૨ નાઈજીરિયાના, બાંગ્લાદેશના ૭, નેપાળના ૨ અને અન્ય દેશોના ૧૩ કેદીઓ હતા.

કેદીઓમાં ૨ મહિલા હતી જયારે ૯૩ પુરુષો હતા. આખા દેશમાં, ૫,૬૦૮ વિદેશી કેદીઓ હતા. જેમાંથી ૨,૧૭૧ ગુનેગારો હતા જયારે ૨,૯૭૯૮ અંડરટ્રાયલ હતા. ૪૦ની અટકાયત કરવામાં આવી હતી અને ૪૧૮ અન્ય કેટેગરીના હતા.

ઈન્ડિયન પાસપોર્ટ એકટ હેઠળના સૌથી વધારે ૩૬ ગુનેગાર પણ ગુજરાતની જેલમાં છે. આસામની જેલમાં આવા કેદીઓ ૩૪ જયારે મહારાષ્ટ્રમાં ૩૦, ત્રિપુરામાં ૨૯ અને કેરળમાં ૧૦ છે.

પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે, મોટાભાગના પાકિસ્તાની કેદીઓ ભારતીય દરિયામાં પ્રવેશ કરતાં ઝડપાયેલા છે.

'પાકિસ્તાન સાથેની જમીન અને દરિયાઈ સીમના કારણે આપણા દેશમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરનારની BSF, પોલીસ અથવા કોઈ સરકારી એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવે છે. બીજુ મોટું કારણ એ પણ છે કે, નેવી, કોસ્ટ ગાર્ડ, બીએસએફ, મરીન પોલીસ જેવી રાજય અને સરકારી એજન્સીઓ સીમા પર કડક પહેરો રાખે છે', તેમ બોર્ડર રેન્જના ઈનસ્પેકટર જનરલ ઓફ પોલીસ જે.આર. મોથલિયાએ જણાવ્યું હતું.

(11:12 am IST)