Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

બ્રિટનમાં છ મહિના બાદ ખુલી શાળા- કોલેજો : ચોક્કસ નિયમોનું સ્કૂલોમાં કરવું પડશે પાલન

સોશ્યલ ડિસ્ટન્સ અને શાળાઓ અને કોલેજોમાં જાહેર વિસ્તારો અને કોરિડોરમાં ચહેરો ઢાંકવો જરૂરી

ઈંગ્લેન્ડમાં વૈશ્વિક મહામારીથી નિપટવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનને કારણે માર્ચ મહિનાથી બંધ પડેલી સ્કૂલો અને કોલેજોને આખરે મંગળવારે ફરીથી ખોલી દેવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ 'નિયંત્રણ સિસ્ટમ' સાથે શાળામાં પાછા ફરશે, જેથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય કર્મચારીઓ વચ્ચેનો સીધો સંપર્ક ઓછો થઈ શકે અને સામાજિક ક્રિયાપ્રતિક્રિયાથી એક ચોક્કસ પ્રકારનું સોશ્યલ ડિસ્ટન્સ જાળવી શકાય. શાળાઓ અને કોલેજોમાં જાહેર વિસ્તારો અને કોરિડોરમાં ચહેરો ઢાંકવો જરૂરી રહેશે.

બ્રિટનના શિક્ષણ પ્રધાન ગેવિન વિલિયમ્સને કહ્યું, 'દેશભરની શાળાઓ તમામ વિદ્યાર્થીઓ માટે ફરીથી ખોલવાનું શરૂ કરી દીધું છે. ઘણા વિદ્યાર્થીઓ માટે આજે નવા શાળા વર્ષનો પહેલો દિવસ હશે, જ્યારે હજારો બાળકો ફરી એકવાર શાળાએ જશે. મંત્રીએ કહ્યું, હું છેલ્લા કેટલાક મહિનાના પડકારોને ઓછો આંકતો નથી, પણ હું જાણું છું કે બાળકો માટે ફરીથી શાળાએ પરત ફરવું કેટલું મહત્વનું છે. ફક્ત તેમના શિક્ષણ માટે જ નહીં, પરંતુ તેમના વિકાસ અને કલ્યાણ માટે પણ શાળા ચાલુ થવી જરૂરી છે.

સરકારે કહ્યું કે વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે સાયકલ અથવા સ્કૂટર્સનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે સરકારે કોરોના વાયરસ ફેલાતો રોકવાના ઉપાયના પ્લાન મુજબ સ્થાનિય પરિવહન અધિકારીઓને વિશેષ 40 મિલિયન પાઉન્ડની સહાયતા આપી છે. જેથી સ્કૂલથી ઘર સુધીની બાળકો માટેની પરિવહન સેવાઓ વધારી શકાય. અને સાર્વજનિક પરિવહન પર દબાવ ઓછો કરી શકાય.

(12:00 am IST)