Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

અમરનાથ યાત્રા પર હુમલાના કાવતરાને નિષ્ફળ કરી દેવાયો

યાત્રીઓ પર સ્નાઈપરથી હુમલો કરવા પ્રયાસ : પાકિસ્તાની સેના દ્વારા કાશ્મીરમાં શાંતિ ભંગ કરવા માટેના પ્રયાસ : સર્ચ ઓપરેશન વેળા સુરંગ પણ શોધી કઢાઈ છે

નવી દિલ્હી, તા. ૨ : સુરક્ષા દળોએ અમરનાથ યાત્રા પર મોટા હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવી દીધો છે. સીઆરપીએફ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ આજે પત્રકાર પરિષદ યોજીને આ અંગેની માહિતી આપી હતી. આ ગાળા દરમિયાન ઉપસ્થિત રહેલા અધિકારીઓએ કહ્યું હતું કે, અમરનાથ યાત્રીઓ પર સ્નાઈપરથી હુમલા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ સુરક્ષાદળોએ હુમલાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા છે. સેના તરફથી માહિતી આપવામાં આવી હતી કે, પાકિસ્તાની સેના તરફથી કાશ્મીરમાં શાંતિ ભંગ કરવાના અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક વખત સર્ચ ઓપરેશન દરમિયાન સુરંગો પણ મળી આવી છે. પાકિસ્તાનના તમામ પ્રયાસોને નિષ્ફળ કરવામાં આવ્યા છે. સેનાના અધિકારીએ કહ્યું હતું કે, કાશ્મીર ખીણમાં સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થયો છે. ત્રાસવાદીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ચીનાર કોર્પરના કમાન્ડર લેફ્ટી. જર્નરલ કેજેએસ ઢિલ્લોને કહ્યું હતું કે, સુરક્ષાદળોએ અમરનાથ યાત્રા રૂટપર ત્રાસવાદીઓના એક અડ્ડા પરથી સર્ચ ઓપરેશન દરમિયાન અમેરિકન સ્નાઈપર રાઈફલ પણ જપ્ત કરી છે. તેમણે કહ્યું હતું કે, તેઓ કહેવા માંગે છે કે, જો કોઈના બાળક ૫૦૦ રૂપિયા લઈને પથ્થરો ફેકવા માંગે છે તો તે આવતીકાલનો ત્રાસવાદી છે. પકડી પાડવામાં આવેલા આતંકવાદી અથવા તો માર્યા ગયા ત્રાસવાદી પૈકી ૮૩ ટકા આ પ્રકારના છે. તેમણે કહ્યું હતું કે, અમરનાથના રસ્તામાં દુરબીનની સાથે સ્નાઈપર રાઈફલ મળી આવી છે. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું છે કે, જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ ઘુસખોણી કરતા રહે છે પરંતુ સુરક્ષાદળો તેમને નિષ્ફળ કરતા રહે છે. કાશ્મીરના યુવા મદદ કરે તે જરૂરી છે. ગેરમાર્ગે દોરાયેલા યુવાઓને માતા-પિતા યોગ્ય રસ્તા બતાવે તે જરૂરી છે. જમ્મુ કાશ્મીરના આઈજીએ કહ્યું હતું કે, આઈઈડી બ્લાસ્ટને લઈને સાવધાન રહેવાની જરૂર છે. કેટલાક પાકિસ્તાની મોડ્યુલ આવી હરકતો કરતા રહે છે. તાજેતરમાં પુલવામા અને શોપિયનમાં દસ જગ્યા પર આવા પ્રયાસ કરવામાં આવી ચુક્યા છે. આ મામલામાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. આમા જૈશના ત્રાસવાદીઓ પણ સામેલ છે. હાલમાં જ બ્લાસ્ટ કરનાર બે ત્રાસવાદીઓને પકડી પડાયા હતા.

સુરક્ષા દળોએ શું કહ્યું...

*    અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુ પર હુમલા કરવાના મોટા કાવતરાને નિષ્ફળ કરવામાં આવ્યા છે

*    અમરનાથ યાત્રીઓ પર સ્નાઈપર દ્વારા હુમલાના પ્રયાસ

*    પાકિસ્તાની સેના કાશ્મીરમાં સતત શાંતિ ભંગ કરવાના પ્રયાસમાં છે

*    સર્ચ ઓપરેશન દરમિયાન સુરંગો પણ મળી આવી છે. જેને પકડી પાડીને નિષ્ક્રિય કરી દેવાઈ છે

*    ત્રાસવાદીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે

*    જો કોઈના બાળકો ૫૦૦ રૂપિયા લઈને પથ્થર ફેકે છે તો તે આવતીકાલનો આતંકવાદી છે તે વાત માતા પિતાને સમજી લેવાની જરૂર છે

*    હાલમાં પકડી પડાયેલા અથવા ઠાર કરાયેલા ત્રાસવાદી પૈકી ૮૩ ટકા ત્રાસવાદીઓ આવી રહ્યા છે

(8:03 pm IST)