Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

રાજ્યસભામાં જોરદાર ચર્ચા બાદ UAPA બિલ પસાર

વ્યક્તિને ત્રાસવાદી જાહેર કરવા મુદ્દે ચર્ચા ગરમ : ચિદમ્બરમ તેમજ દિગ્વિજય સિંહ તરફથી જોરદાર દલીલ બાજી કરાઈ : અમિત શાહે દાખલા આપીને જવાબ આપ્યા

નવી દિલ્હી,તા.૨ : રાજ્યસભામાં આજે ગેરકાયદે ગતિવિધી અટકાયત કાનુન (યુએપીએ) સુધારા બીલ તીવ્ર ચર્ચા બાદ પાસ થઈ ગયું હતું. મતદાન વેળા પ્રસ્તાવની તરફેણમાં ૧૪૭ મત પડ્યા હતા. જ્યારે વિરોધમાં ૪૨ મત પડ્યા હતા. આ પહેલા કોંગ્રેસ તરફથી રાજ્યસભા સાંસદ પી. ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહ તરફથી વ્યક્તિને આતંકવાદી જાહેરા કરવાને લઈને સરકારમાં ઈરાદા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ચિદમ્બરમએ કહ્યું હતું કે, સંગઠનનને પહેલાથી ત્રાસવાદી જાહેર કરવામાં આવતા રહ્યા છે. આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિને ત્રાસવાદી જાહેર કરવાની જરૂર  શું છે. આના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહેએ કહ્યું હતું કે, કોઈ વ્યક્તિને આતંકવાદી જાહેર કરવાની જરૂર ચોક્કસ પણે દેખાઈ રહી છે. અમિત શાહે દાખલો આપતા કહ્યું હતું કે, ઈન્ડિયન મુઝાહિદિનનો ત્રાસવાદી યાસિન ભટકલ ૨૦૦૯થી અનેક મામલાઓમાં વોન્ટેડ હતો. કોલકોતા પોલીસે તેને પકડી પાડ્યો હતો. આ શખ્સે પોતાનું નામ બનાવટી આપ્યું હતું. એ વખતે પોલીસની પાસે તેના ચહેરાની ઓળખ ન હતી. કોઈ પુરાવા ન હતા જેથી તેને છોડી દેવાની ફરજ પડી હતી. છેલ્લે તેની છોડી દેવામાં આવ્યો હતો અને તે ફરાર થઈ ગયો હતો. જો ૨૦૦૯માં તેને ત્રાસવાદી જાહેર કરવામાં આવ્યો હોત દેશના તમામ પોલીસ સ્ટેશનમાં તેનો ફોટો રહ્યો હોત અને ફિંગરપ્રિન્ટ રહ્યા હોત જેથી આ શખ્સ ફરાર થઈ શક્યો ન હોત. અમિત શાહે ચર્ચા દરમિયાન વિપક્ષની જોરદાર ઝાટકળી કાઢી હતી. અમિત શાહે દિગ્વિજય સિંહના નિવેદન સામે પણ આકરા જવાબ આપ્યા હતા. નવા બિલમાં સરકારે ગેર કાયદેસર ગતિવિધિઓમાં સામેલ વ્યક્તિ વિશેષને આતંકી જાહેર કરવાની જોગવાઈનો સમાવેશ કર્યો છે. ચર્ચા દરમિયાન દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, મને ભાજપની પ્રવૃતિ પર શંકા છે. કોંગ્રેસે ક્યારેય આતંકવાદ સાથે સમજૂતી નથી કરી, તેથી આ કાયદો લઈને આવ્યા હતા. તમે લોકો આતંકવાદ સાથે સમજૂતી કરો છે. ભાજપ સરકારે જ પહેલાં રુબૈયા સઈદ અને પછી મસૂદ અઝહરને છોડ્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું ઈમરજન્સી દરમિયાન શું થયું હતું? મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો અને વિપક્ષના દરેક નેતાને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. ૧૯ મહિના સુધી દેશમાં લોકતંત્રને ખતમ કરી દેવામાં આવ્યું હતું અને હવે તમે અમારા પર કાયદાનો દૂરઉપયોગ કરવાનો આરોપ લગાવો છો. પહેલાં તમે જરા તમારો ઈતિહાસ જુઓ. કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે કહ્યું, સુધારણા બિલને જોઈએ તો લાગે છે કે તે એનઆઈએને તાકાતવર બનાવશે. પરંતુ તેમાં કોઈ વ્યક્તિનું નામ આતંકી યાદીમાં જોડવા અને કાઢવાની જોગવાઈ છે. અમે તેનો જ વિરોધ કરી રહ્યા છીએ. ગેરકાયદે ગતીવિધિઓ સામે કાર્યવાહીનો કાયદો બનવો જ જોઈએ. ૨૦૦૮માં જ્યારે મેં ગૃહમંત્રીની જવાબદારી સંભાળી હતી ત્યારે આતંકવાદનો સામનો કરવા માટે ત્રણ સ્તંભ- એનઆઈએ, નેટગ્રિડ અને એનસીટીસી બનાવ્યા હતા. આજે અમારી પાસે માત્ર એક જ સ્તંભ છે. તમે એનઆઈએને છોડીને બાકીના બે માટે શું કર્યું. અમિત શાહે કહ્યું ચિદમ્બરે કહ્યું જ્યારે આતંકી ગતિવિધિઓમાં લુપ્ત સંગઠનો પર પ્રતિબંધ છે તો કોઈ વ્યક્તિને વિશેષ આતંકી જાહેર કરવાની શું જરૂર છે. અમે સુધારણામાં એવી જોગવાઈ કરી છે. કારણ કે એક સંગઠન પર પ્રતિબંધ રાખવામાં આવે તો અન્ય વ્યક્તિઓ દ્વારા બીજું સંગઠન ઉભું કરી દેવામાં આવે છે. ક્યાં સુધી આપણે સંગઠનો પર જ પ્રતિબંધ લગાવીને રાખશું.

 

(8:03 pm IST)