Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

કાશ્મીરના મામલે વાત થશે તો માત્ર પાકની સાથે જ થશે

અમેરિકી અધિકારીઓ સમક્ષ ભારતની સ્પષ્ટ રજુઆત : અમેરિકા પ્રમુખની ઓફરને ભારતે ફરીવાર ફગાવી દીધી

નવી દિલ્હી,તા. ૨: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાશ્મીરના મુદ્દા પર મધ્યસ્થતી કરવા માટેની ઓફર કરવામાં આવ્યા બાદ આજે પ્રથમ વખત ભારત અને અમેરિકાના વિદેશ પ્રધાન આમને સામને આવ્યા હતા. બંને વિદેશ પ્રધાન આમને સામને આવ્યા ત્યારે ભારત તરફથી સ્પષ્ટ શબ્દોમાં આ વાત કરવામાં આવી હતી કે જો કાશ્મીરના મામલે કોઇ વાત થશે તો માત્ર પાકિસ્તાન સાથે કરવામાં આવશે. મધ્યસ્થતાની ટ્રમ્પની ઓફરને ભારતે ફરી એકવાર ફગાવી દીધી હતી. માત્ર દ્ધિપક્ષીય વાતચીત જ જો કરાશે તો થશે. આસિયાનની એક મહત્વપૂર્ણ બેઠકના સંબંધમાં થાઇલેન્ડના પાટનગર બેંકકોકમાં વિદેશી પ્રધાન એસ. જયશંકર અને અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો મળ્યા હતા. આસિયાનના ભાગરૂપે બંને દેશોની દ્ધિપક્ષીય બેઠક યોજાઇ હતી. જયશંકરે ટ્વીટ કરીને કહ્યુ છે કે પોમ્પિયો સાથે ક્ષેત્રીય મુદ્દા પર વિસ્તૃત વાતચીત થઇ છે. અમેરિકી સમકક્ષ પોમ્પિયોને સાફ શબ્દોને કહી દેવામાં આવ્યુ છે કે જો કાશ્મીર પર કોઇ વાતચીતની જરૂર પડશે તો માત્ર પાકિસ્તાન સાથે થશે. આ વાતચીત પણ દ્ધિપક્ષીય રહેશે.

થોડાક દિવસ પહેલા પણ ટ્રમ્પે મધ્યસ્થતીની વાત કરીને હોબાળો મચાવ્યોહતો.ટ્રમ્પનુ નિવેદન આવ્યા બાદ ભારતે ફરી એકવાર નારાજગી વ્યક્ત કરી હતી.ભારતે તેની પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે કાશ્મીર પર વિવાદ દ્ધિપક્ષીય છે. તેમાં મધ્યસ્થી માટે કોઇ જગ્યા નથી. ટ્રમ્પે પહેલા  જ્યારે મધ્યસ્થીની વાત કરી ત્યારે તેમની વ્યાપક ટિકા થઇ હતી. થાઇલેન્ડમાં બંને દેશોની બેઠક મળે તે પહેલા ટ્રમ્પે સાવધાનીપૂર્વકની પ્રતિક્રિયા આપી હતી. જો કે મધ્યસ્થીની ફરી એકવાર વાત કરવામાં આવી હતી. ટ્રમ્પે હવે પોતાના જુના ટ્વીટને ટિવસ્ટ કરીને કહ્યુ છે કે આ બાબત ભારત અને પાકિસ્તાન પર આધારિત છે.

ગયા સપ્તાહમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં ટ્ર્મ્પે વિવાદાસ્પદ નિવેદન કર્યુ હતુ. ટ્રમ્પે એ વખતે કહ્યુ હતુ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે સપ્તાહ પહેલા તેમની સાથે હતા. એ વખતે મોદીએ કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાની ઓફર કરી હતી.

અમેરિકી પ્રમુખ  ટ્રમ્પે એ વખતે એમ પણ કહ્યુ હતુ કે તેમને લાગે છે કે ભારત અને પાકિસ્તાન વિવાદને ઉકેલી દેવા માટે ઇચ્છુક   છે. આ મામલો ૭૦ વર્ષ જુનો છે. તેમને મધ્યસ્થતા કરવાને લઇને ખુશી થશે.

(3:44 pm IST)