Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

રાજ્યસભામાં કપિલ સિમ્બલે ગૃહમંત્રી અમિતભાઇ શાહને ફેંક્યો પડકાર : કહ્યું હિંમત હોય તો બોલો ગોડસે આતંકી છે

યુએપીએ બિલ પર ચર્ચા : તમે ટ્રાયલ દરમિયાન જ કોઈને આતંકી જાહેર કરી શકો છો. બિલમાં આ જોગવાઈ લાવવાનો કોઈ અર્થ નથી

નવી દિલ્હી : રાજ્યસભામાં યુએપીએ બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ કપિલ સિબ્બલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગૃહમંત્રી અમિતભાઈ  શાહ પર નિશાન સાધતા સિબ્બલે કહ્યું કે સરકાર કયા તબક્કે નિર્ણય કરશે કે આતંકી છે કે નથી. જો હાફિઝ સઈદ છે તો તે આતંકવાદી છે. ગોડસે છે તો તે આતંકવાદી છે પણ તમે કહેવાની હિંમત ધરાવતા નથી. તેમણે કહ્યું કે 1947 થી આજ સુધી તમારી પાસે ગોડસેને આતંકવાદી કહેવાની હિંમત નથી.

સિબ્બલે કહ્યું, 'ગૃહ પ્રધાન ઉભા થઈને કહી દો.' કારણ કે આ બધી દૃષ્ટિકોણની વાત છે. તમે જે રીતે જુઓ છો તે આતંકવાદ બની જાય છે. આજે તમે એવા લોકોને જેલમાં રાખ્યા છે, જે વિદ્ધાન છે, સંયુક્ત રાષ્ટ્રમાંથી ભંડોળ મેળવે છે. આવતીકાલે તમે તેમને પણ સૂચના આપી આતંકવાદી કહેશો. આ બધું તમારા ઇરાદા પર આધારિત હશે.

કપિલ સિબ્બલે કહ્યું કે, જો ગૃહ મંત્રાલયે કોઈને આતંકવાદી જાહેર કર્યા છે તો તેને સમીક્ષા અને ટ્રિબ્યુનલ પર જવાનો અધિકાર છે, પરંતુ બિલમાં તે વ્યક્તિને કેમ અને ક્યારે આતંકવાદી જાહેર કરાયો તે જણાવવામાં આવ્યું નથી. તમે ક્યા તબક્કે કોઈને પણ આતંકી માનશો, એફઆઈઆર સમયે, ચાર્જશીટ પછી, ટ્રાયલ બાદ, બિલમાં તેની કોઈ પણ પ્રકારની ચોકસાઈ થતી નથી. આપણા કાયદામાં તો દોષિ ન સાબિત થાય ત્યા સુધી દરેક વ્યક્તિ નિર્દોષ છે.

આવી સ્થિતિમાં તમે ટ્રાયલ દરમિયાન જ કોઈને આતંકી જાહેર કરી શકો છો. બિલમાં આ જોગવાઈ લાવવાનો કોઈ અર્થ નથી, આવતીકાલે તમે કોઈપણ અર્બન નક્સલને પણ આતંકવાદી કહી શકો. આ પછી તેનું જીવન ખરાબ તો થવાનું જ છે. રાજ્યસભામાં યુએપીએ (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) બિલ પર વધુ ચર્ચા શુક્રવારે થશે. ગૃહમંત્રી અમિતભાઈ  શાહ બિલ પર પોતાનો પક્ષ રાખશે.

(1:50 pm IST)