Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

કાશ્મીર પ્રશ્ને ફરી મધ્યસ્થતાનો રાગ આલાપતા ટ્રમ્પ

બધુ મોદી ઉપર નિર્ભર છે... જણાવી વાત

વોશિંગ્ટન, તા.૨: જમ્મુ-કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાની રજૂઆત કરનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત કાશ્મીર મામલે નિવેદન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે મધ્યસ્થતાને લઇને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નક્કી કરવાનું છે. ટ્રમ્પે કહ્યું કે મે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે વાત કરી છે. મને લાગે છે કે બંને નેતાઓએ એકસાથે આવવું જોઇએ.

આ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો કાશ્મીર મુદ્દે કોઇએ મધ્યસ્થતા કરવી જોઇએ, તો તેઓ મદદ કરી શકે છે. મે આ અંગે ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે સાથે વાત કરી છે. આમ કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાના અગાઉના નિવેદન પર આકરી નિંદાનો ભોગ બનવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આ પ્રકારનું નિવેદન આપ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ સંપૂર્ણ રીતે ભારત અને પાકિસ્તાન પર નિર્ભર કરે છે કે તેઓ કાશ્મીર મામલે કોઇની મદદ લેવા ઇચ્છે છે કે નહીં. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો, જેના પર વિવાદ છંછેડાઇ ગયો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમને કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવા અંગે વાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન પર ભારતમાં ઘણો વિવાદ થયો હતો. જયારે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને નકારી દેવામાં આવ્યું હતું. વિદેશ પ્રધાન એસ. જયશંકરે બંને સદનમાં દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર મામલે કયારેય મધ્યસ્થતા અંગે વાત કરી નથી.

આમ કાશ્મીર મામલે મધ્યસ્થતાની વાત કરનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નિવેદન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે હવે કહ્યું છે કે કાશ્મીરમાં મધ્યસ્થતા મામલા અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નક્કી કરવાનું છે. મેં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સાથે પણ વાત કરી છે. મને લાગે છે કે બન્ને દેશના નેતાઓએ એક સાથે આવવું જોઈએ.

(11:30 am IST)