Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

સંસદના સત્ર પછી મળશે કોંગ્રેસ કારોબારીઃ પ્રમુખ અંગે નિર્ણય લેવાશેઃ પક્ષને ફરી ધમધમતો કરવા ઘડવામા આવશે રણનીતિ

કોંગ્રેસને ફરી દોડતી કરવા શામ પિત્રોડાએ સૂચન કર્યુ છે કે પક્ષે કોર્પોરેટ સ્ટ્રકચર ઉભુ કરવુ જોઈએ

નવી દિલ્હી, તા. ૨ :. રાહુલ ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખ પદ છોડયાના બે મહિના બાદ આખરે સાંસદના બજેટ સત્રની સમાપ્તી પછી કોંગ્રેસ કારોબારીની એક બેઠક મળશે અને તેમા નવા પ્રમુખ કોને બનાવવા ? તે અંગે ચર્ચાવિચારણા થશે તેમ આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ પોતાનું નામ જાહેર નહી કરવાની શરતે જણાવ્યુ હતું.

પક્ષના કોમ્યુનિકેશન બાબતોના ઈન્ચાર્જ સુરજેવાલાએ જણાવ્યુ છે કે કારોબારી કે જે કોંગ્રેસની નિર્ણય લેતી સૌથી મોટી બોડી છે તે બજેટ સત્ર બાદ મળશે. જો કે તેમણે કહ્યુ હતુ કે આ બેઠકનો એજન્ડા હજુ નક્કી થયો નથી.

મળતા અહેવાલો મુજબ આ બેઠકમાં કોંગ્રેસને ફરી જીવંત કરવા બાબતે પણ ચર્ચા થાય તેવી શકયતા છે. ગાંધી પરિવારના વિશ્વાસુ સલાહકાર શામ પિત્રોડાએ એક રીપોર્ટ પણ તૈયાર કર્યો છે જે બે સપ્તાહ પહેલા પક્ષને સોંપાયો છે અને તેમા ૧૩૪ વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીને ફરી બેઠી કરવા અંગે ૨૦ જેટલા સૂચનો કરવામા આવ્યા છે. એક સૂચન એવુ છે કે પક્ષનું સંપૂર્ણ કોર્પોરેટાઈઝેશન કરવુ સાથોસાથ એક ચીફ ટેકનીકલ ઓફિસર, એક હ્યુમન રીસોર્સીસ વિભાગ પણ ઉભો કરવો.

કોંગ્રેસ કારોબારીની બેઠક ૮ કે ૧૦મી ઓગષ્ટે યોજાશે. જેમાં રાહુલ ગાંધીને પ્રમુખ પદનું રાજીનામુ પાછુ ખેંચી લેવા છેલ્લો પ્રયાસ કરવામાં આવશે. ગયા શુક્રવારે પક્ષના મહામંત્રીઓની મળેલી બેઠકમાં પ્રિયંકા ગાંધીએ અન્યોને જણાવ્યુ હતુ કે, મારૂ નામ પ્રમુખ તરીકે ઉછાળવામાં ન આવે.

રાહુલ ગાંધીએ મેં મહિનામાં રાજીનામુ આપ્યુ હતુ પરંતુ કારોબારીએ હજુ તેમનુ રાજીનામુ સ્વીકાર્યુ નથી. સંભવિત ઉમેદવાર અંગે ચર્ચા કરવા પણ કારોબારીના સભ્યો હજુ એકઠા થયા નથી. અત્રે એ નોંધનીય છે કે યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીએ સંસદમાં પક્ષની આગેવાની લીધી હતી પરંતુ પક્ષ પોતે હાલ અનાથ જેવી સ્થિતિમાં છે. કોંગ્રેસના અનેક નેતાઓ હજુ ઘોરપરાજયથી શોકમાં ડુબેલા છે. પક્ષને હજુ સમજાતુ નથી કે આટલો ખરાબ દેખાવ કઈ રીતે થયો ?

શામ પિત્રોડાએ એવુ સૂચન કર્યુ છે કે, કોંગ્રેસ કારોબારીનુ બોર્ડ ૧૦ સભ્યોનું હોવુ જોઈએ. જેમાં પ્રોફેશ્નલ્સ સહિતના લોકોને લેવા જોઈએ. જેમાં ઉદ્યોગ, ફાયનાન્સ, બીઝનેશ અને ઈન્ફ્રા.ના લોકો સમાવવા જોઈએ. નવા બોર્ડે કોંગ્રેસ પ્રમુખ અને કારોબારીને દર ૩ મહિને સલાહ આપવી જોઈએ. હાલની મહામંત્રીઓની સિસ્ટમ રીજીયન પ્રમાણે નહિ એવી રીતે કરવી જોઈએ.

(11:28 am IST)