Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

BSNL-MTNL નાં કર્મચારીઓનો જુલાઇનો પગાર પણ નથી થયોઃ પગાર ખર્ચ છે ૮૫૦ કરોડ

BSNLની આવકના ૭૫ ટકા પગાર ખર્ચ પાછળ ખર્ચાય છે

નવી દિલ્હી તા.૨: બીએસએનએલ, એમટીએનએલ એટલેકે ભારતીય સંચાર નિગમ લીમીટેડ અને મહાનગર ટેલીફોન નિગમ લીમીટેડના ૧.૯૮ લાખ કર્મચારીઓને જુલાઇ મહિનાનો પગાર નથી મળ્યો. યુનિયનના એક હોદ્દેદારે આ માહિતી આપી છે. બીએસએનએલના કર્મચારીઓના પગારનો ખર્ચ ૭૫૦ થી ૮૫૦ કરોડ રૂપિયા છે.

બીએસએનએલની આવકનો ૭૫ ટકા હિસ્સો પગાર પર ખર્ચાય છે.  જયારે, પ્રાઇવેટ કંપની એરટેલ કુલ કમાણીના ૩ ટકાથી પણ ઓછા કર્મચારીઓના પગાર પર ખર્ચે છે તે કંપનીના કર્મચારીઓની કુલ સંખ્યા ૨૦ હજાર છે.

કર્મચારીઓને સમયસર પગાર ન મળ્યો હોય તેવું આ વર્ષમાં બીજી વાર બન્યું છે. પગાર કયારે મળશે તે અંગે કોઇ આશ્વાસન પણ નથી આપવામાં આવ્યું. ઓલ ઇન્ડીયા યુનિયન્સ એન્ડ એસોસિએશન્સ ઓફ ભારત સંચાર નિગમ લીમીટેડના સંયોજક પી અભિમન્યના હવાલાથી પીટીઆઇએ જણાવ્યું કે સામાન્ય રીતે મહીનાની આખર તારીખે પગાર ચુકવાય જાય છે પણ જુલાઇમાં એવું નથી બન્યું. કોઇ સૂચના પણ નથી અપાઇ કે પગાર કયારે ચુકવાશે.બીએસએનએલ અને એમટીએનએલ ભારે ખોટ ભોગવી રહી છે. આમતો તેમની હાલત પહેલાથી જ ખરાબ હતી પણ ૨૦૧૪માં રિલાયન્સ જીયોના આવવાથી તો તેમની કમર તુટી ગઇ હતી. ૨૦૧૮-૧૯માં બીએસએનએલની ખોટ ૧૪,૨૦૨ કરોડ પર પહોંચી ગઇ. સંસદમાં અપાયેલી માહિતી અનુસાર ૨૦૧૫-૧૬માં તેની ખોટ ૪૮૫૯ કરોડ હતી ત્યાર પછીના બે વર્ષોમાં તે ક્રમશઃ ૪૭૯૩ અને ૭૯૯૩ કરોડ થઇ હતી.બંન્ને કંપનીઓ ખોટમાં ચાલી રહી છે. સરકાર બંન્નેને ભેગી કરવા માંગે છે. પણ સંચાર નિગમ એકઝીકયુટીવ્સ એસોસીએશનના મહાસચિવ સેબેસ્ટીયનનું કહેવું છે કે આ પ્રક્રિયા પુરી થવામાં બે વર્ષ લાગી જશે. તેમને ખોટમાંથી બહાર કાઢવા માટે મર્જર ઉપરાંત વીઆરએસ, ૪જી એરવોસનું વેચાણ, જમીન અને ટાવરમાંથી આવક જેવા વિકલ્પો સામે આવ્યા છે પણ હજી તે દિશામાં કોઇ નક્કર પ્રગતિ નથી થઇ.

(11:26 am IST)