Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

રાજસ્થાનથી રાજયસભામાં જશે મનમોહન સિંહ

નવી દિલ્હી, તા.૨: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને કોંગ્રેસ રાજસ્થાનથી રાજયસભામાં મોકલવાની તૈયારી કરી રહી છે. રાજસ્થાનમાં ભાજપના રાજયસભા સાંસદ મદન લાલ સૈનીના નિધનથી એક સીટ ખાલી થઈ છે. કોંગ્રેસના સૂત્રો મુજબ, પાર્ટી આ બેઠક પરથી મનમોહન સિંહને મોકલવાની તૈયારીમાં છે. રાજયમાં કોંગ્રેસની બહુમતી સરકાર છે અને આ બેઠકને તે સરળતાથી જીતવાની સ્થિતિમાં છે. મદન લાલ સૈની ગત વર્ષે જ રાજયસભા માટે ચૂંટાયા હતા.

પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે, મનમોહન સિંહને રાજસ્થાનથી રાજયસભામાં મોકલવા અંગે ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. જો તેઓ ચૂંટાય છે તો તેમનો કાર્યકાળ ૩ એપ્રિલ, ૨૦૨૪ સુધી રહેશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે ગુરુવારે જ રાજસ્થાનમાં ખાલી પડેલી સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર કરી છે. આ બેઠક પર ૨૬ ઓગસ્ટે ચૂંટણી થશે અને એ જ દિવસે પરિણામની જાહેરાત કરાશે. ઈલેકશન માટે નોટિફિકેશન ૭ ઓગસ્ટે બહાર પડાશે.

ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૪ ઓગસ્ટ હશે અને ૧૯ તારીખ સુધી ઉમેદવાર પોતાનું નામ પાછું ખેંચી શકશે. આસામથી સતત ૫ વખત રાજયસભા સાંસદ રહેલા મનમોહન સિંહનો કાર્યકાળ તાજેતરમાં જ પૂરો થયો છે. કોંગ્રેસ આસામથી મનમોહન સિંહને રાજયસભામાં મોકલવાની તૈયારીમાં નથી. ત્યારે કોંગ્રેસે રાજસ્થાનથી જ આ દિગ્ગજ નેતાને રાજયસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે.

(10:07 am IST)