Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

નાના ધંધાર્થીઓની મુશ્કેલી ઘટશેઃ હવે દર વર્ષે લાયસન્સ નહિ લેવુ પડેઃ સીધુ ૧૦ વર્ષનું મળી શકશે

એક દેશ એક લાયસન્સની નીતિ આવશે

નવી દિલ્હી, તા. ૨ :. નાના વેપારીઓને દર વર્ષે અલગ અલગ કામો માટે લાયસન્સ લેવા અથવા રીન્યુ કરાવવાની ઝંઝટમાંથી છૂટકારો મળી શકે છે. કેન્દ્ર સરકાર તૈયારી કરી રહી છે કે નાના વેપારીઓને એક વખત ૧૦ વર્ષ માટે લાયસન્સ આપી દેવાય જેથી તેમને તે રીન્યુ કરાવવા માટે વારંવાર સરકારી વિભાગો અને ઓફિસોના ધક્કા ન ખાવા પડે.

અત્યારે અલગ અલગ ધંધા માટે અલગ અલગ રાજ્યોમાં નાના છૂટક વેપારીઓના લાયસન્સ રીન્યુ કરાવવા માટે એક વર્ષથી માંડીને પાંચ વર્ષની મુદ્દત રખાઈ છે. મળતી માહિતી અનુસાર વ્યાપાર મંત્રાલય, રાષ્ટ્રીય છુટક વેપાર નીતિ હેઠળ ધંધાને સરળતાપૂર્વક પ્રોત્સાહન આપવા માટે તેમા કેટલાક નવા માપદંડો ઉમેરવા પર કામ કરી રહ્યુ છે. વ્યાપાર મંત્રાલયે શ્રમ મંત્રાલયને હાલના દુકાન અને સંસ્થા અધિનિયમમાં ફેરફાર કરવા માટેની ભલામણો મોકલી છે. તેનાથી આ કાયદા હેઠળ કરવામાં આવતા બે ડઝન અલગ અલગ રજીસ્ટ્રેશનમાંથી વેપારીને છૂટકારો મળી શકશે અને તેઓ સહેલાઈથી ધંધો કરી શકશે. કેટલાય પ્રકારના રજીસ્ટ્રેશન બંધ કરવા પર પણ વિચારણા ચાલી રહી છે.

છૂટક વેપારીઓના સંગઠન કૈટના મહાસચિવ પ્રદીપ ખંડેલવાલે કહ્યુ કે અત્યારે વેપારીઓએ અલગ અલગ ખાતાઓમાંથી ૨૮ જાતના લાયસન્સ લેવા પડે છે. તેમને શ્રમ, ખાદ્ય સુરક્ષા, અગ્નિશમન જેવા વિભાગોથી માંડીને જીએસટી ઓફિસ સુધીના ચક્કરો લગાવવા પડે છે. જેમાં ઘણો બધો સમય ખર્ચાય છે. છૂટક વેપારીઓના સંગઠને ઉચ્ચ સ્તરે વાતચીતમા આ મુદ્દો ઉઠાવ્યો હતો જેના પર આ નિર્ણય થઈ રહ્યો છે.

(10:05 am IST)