Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

મોદી સરકારનું પાંચ ટ્રિલિયનની ઈકોનોમી બનવાનું સ્વપ્ન અધૂરું રહેશે : વર્લ્ડ બેન્કનો ચોંકાવનારો હેવાલ

ફ્રાંન્સ અને બ્રિટનના અર્થતંત્રની ગતિએ ભારતનો પાંચમાં નંબરની અર્થવ્યવસ્થાનો તાજ છિનવી લીધો : સાતમાં નંબરે સરકી ગયું

નવી દિલ્હી :કેન્દ્રની મોદી સરકાર આગામી વર્ષોમાં દેશની ઇકોનોમીને પાંચ ટ્રિલિયનની ઇકોનોમી બનાવવાનું સપનું જોઈ રહી છે પરંતુ હાલના તબક્કામાં ફ્રાંન્સ અને બ્રિટનના અર્થતંત્રની ગતિએ ભારત પાસેથી પાંચમાં નંબરની અર્થવ્યવસ્થાનો તાજ છિનવી લીધો છે. ભારત હવે દુનિયાનું પાંચમાં મોટા અર્થતંત્રના બદલે સાતમાં નંબરે સરકી ગયું છે.

  ભારત પાસેથી દુનિયાના પાંચમાં મોટા અર્થતંત્રનો તાજ છિનવાઇ ગયો છે. આવું એટલા માટે બન્યું કે વૈશ્વિક રેંકિંગમાં બ્રિટન અને ફ્રાન્સ એક-એક ક્રમ આગળ વધ્યા છે. વિશ્વ બેંક દ્વારા એકત્ર કરાયેલા આંકડા મુજબ આ બંને દેશો બાદ વર્તમાન સમયમાં ભારત દુનિયાની સાતમાં નંબરની અર્થવ્યવસ્થા છે. વર્લ્ડ બેન્કના રિપોર્ટ પ્રમાણે અર્થવ્યવસ્થાની બાબતે ભારત પાંચમા સ્થાનેથી ખસીને સાતમાં સ્થાને પહોંચી ગયું છે.

   2018માં ફ્રાન્સની ઇકોનોમી 2.78 ટ્રિલીયન ડોલર અને યુકેની 2.82 ટ્રિલીયન ડોલર રહી છે. તેની સામે ભારતની અર્થવ્યવસ્થા 2.73 ટ્રિલીયન ડોલર રહી હતી. 2018માં ભારતે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું સ્થાન મેળવ્યું હતુ. આ પહેલાના ડેટામાં ભારત 2017માં છઠ્ઠા ક્રમાંકની અર્થવ્યવસ્થા હતી અને ત્યારે ફ્રાન્સને સાતમું સ્થાન મળ્યું હતું. જોકે ત્યારબાદ ભારત બ્રિટનને પછાડીને પાંચમા સ્થાને પહોંચ્યું હતું. જાણકારોનું કહેવું છે કે 2017માં રૂપિયો 3 ટકા વધ્યો હતો જે 2018માં 5 ટકા ઘટ્યો હતો  તેના લીધે ભારતની અર્થવ્યવસ્થા ડોલર ટર્મ્સમાં ધીમી ગતિએ વધી હતી.

(12:00 am IST)