Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

આગામી અઠવાડીયે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક: કાર્યકારી અધ્યક્ષનું નામ જાહેર થવાની શકાયતા

અધ્યક્ષ પદ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત પણ થઇ શકે છે.

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટીનાં પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ નવા પ્રમુખની પસંદગી માટે અનેક નામો ચર્ચામાં આવ્યા હતાં. જો કે હવે નવા અધ્યક્ષની પસંદગી માટે આવતા સપ્તાહે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક મળવાની શક્યતા છે. આ બેઠકમાં કાર્યકારી અધ્યક્ષનું નામ નક્કી કરવાની સાથે જ અધ્યક્ષ પદ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત પણ થઇ શકે છે.

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અંગે જણાવતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, સંસદનું સત્ર પુર્ણ થયા બાદ CWCની બેઠક થઇ શકે છે, પરંતુ હજુ કાર્યકારી સમિતીની તારીખ કે એજન્ડા નક્કી કરવામાં આવ્યો નથી. આ બેઠકમાં રાહુલ ગાંધી પણ સામેલ થશે. પાર્ટીના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, બેઠક 8 ઓગસ્ટ થઇ શકે છે. અને આ બેઠકમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષની પણ નિમણુક થઇ શકે છે.

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 75મી જન્મ જયંતી માટે કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવા માટે પાર્ટી મહાસચિવ અને પ્રભારીઓની બેઠક થઇ હતી. જેમાં પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ સામેલ થઇ હતીં. ત્યારબાદ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, 20 ઓગષ્ટનાં રોજ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જયંતી પર તમામ રાજ્યોનાં પાટનગરમાં ભવ્ય કાર્યક્રમ કરવામાં આવશે.

(12:00 am IST)