Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

'બાલિકા સુરક્ષા જાગૃતિ અભિયાન'કાર્યક્રમમાં વિદ્યાર્થિનીએ ઉન્નાવ રેપકાંડ અંગે ઉઠાવ્યો સવાલ :હોલ તાળીઓથી ગુંજ્યો

સ્ટેજ પર ઉપસ્થિત મહિલા પોલીસ ઓફિસર્સ અવાક થયા : તેમની પાસે તેનો જવાબ ન હતો

ઉત્તરપ્રદેશમાં બારાબંકીમાં પોલીસે એક શાળામાં કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમનું નામ હતું `બાલિકા સુરક્ષા જાગૃતિ અભિયાન'. જેમાં એક મહિલા પોલીસ જણાવી રહી હતી કે, જો કદાચ તમારી સાથે ક્યારેય પણ છેડતીની ઘટના બને તો તરત પોલીસની મદદ માંગો. પરંતુ આ મહિલા પોલીસ અધિકારીને એક વિદ્યાર્થિનીએ એક એવો સવાલ પૂછ્યો જેનો જવાબ મહિલા પોલીસ ન આપી શકી.

    ઉત્તરપ્રદેશના બારાબંકીમાં કોતવાલી નગરની આનંદભવન શાળામાં બાલિકા સુરક્ષા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાનો હોલ વિદ્યાર્થિનીઓની હાજરીથી હકડેઠઠ હતો. સ્ટેજ પર પોલીસ અધિકારીઓ ખાસ કરીને મહિલા પોલીસ અધિકારી ઉપસ્થિત હતી. મહિલા પોલીસ અધિકારીએ પોતાના પ્રવચનની શરૂઆત કરતા કહ્યું કે, જો તમારી સાથે કોઈ અઘટિત ઘટના બને તો તરત જ ટોલ ફ્રી નંબર પર પોલીસને જાણ કરો. પોલીસની આ વાત સાંભળીને તરત જ એક વિદ્યાર્થિની ઊભી થઈ અને તેણે જે સવાલ કર્યો તેના કારણે સ્ટેજ પર ઉપસ્થિત મહિલા પોલીસ ઓફિસર્સ અવાક થઈ ગયા. કેમ કે તેમની પાસે તેનો જવાબ ન હતો. વિદ્યાર્થીનીનો સવાલ ઘણો લાંબો હતો પરંત તેના સૂર સ્પષ્ટ હતાં

વિદ્યાર્થીનીએ કહ્યું કે, સર, જે રીતે તમે કહ્યું કે, આપણે ડરવું નહીં જોઈએ. અવાજ ઉઠાવવો જોઈએ, વિરોધ કરવો જોઈએ. તો તેમાં મારો એક સવાલ હતો. હજુ થોડા દિવસ પહેલા લખનઉમાં એક 18 વર્ષની છોકરી સાથે બીજેપી નેતાએ બળાત્કાર કર્યો હતો. તેના પિતા એ તો કહેતા હતા કે અકસ્માતે મોત થયું છે. પરંતુ બધાને ખબર છે. તે અકસ્માત ન હતો. એ પછી એ પીડિતા, તેની માતા, અને તેના વકીલ જ્યારે કાર દ્વારા જઈ રહ્યાં હતા ત્યારે એક ટ્રકે તે કારને ટક્કર મારીને ઉડાવી દીધી. તે ટ્રક પાછળ જે નંબર પ્લેટ હતી તે પણ સંપૂર્ણ રીતે કાળા રંગથી રંગી દીધી હતી. તેના પર કોઈ નંબર દેખાતો ન હતો. જો અમારે વિરોધ કરવાનો હોય, સામે જો કોઈ સામાન્ય માણસ હોય તો અમે વિરોધ કરી શકીએ છીએ. પરંતુ જો કોઈ નેતા હોય અથવા કોઈ મોટો માણસ હોય તો તેની સામે અમે કઈ રીતે વિરોધ કરી શકીએ?

વિદ્યાર્થીનીના આ સવાલથી હોલમાં તાળીઓ ગૂંજવા લાગી હતી. વિદ્યાર્થિની દ્વારા પૂછાયેલા આ સવાલમાંથી ઘણા સૂર ઊઠી રહ્યાં હતાં. સવાલ સહેલો હતો. પરંતુ નેતાઓના હાથે બંધાયેલી પોલીસ સિસ્ટમ અને ખુદ ભ્રષ્ટાચારને જ આચાર સમજનારી પોલીસ માટે આ સવાલનો જવાબ અઘરો હતો. એક વિદ્યાર્થિનીએ સવાલ પૂછીને  પોલીસ અધિકારીનાં ચહેરાના રંગ ફિક્કા કરી દીધાં હતાં. મહિલા એસએસપી ગૌતમ પાસે આ સવાલનો જવાબ હતો નહીં તેથી તેણીએ આ સવાલનો ગોળ ગોળ જવાબ આપ્યો, એમ કહો કે જવાબ દેવાથી તે દૂર જ રહ્યાં. વાત સાચી છે, જ્યારે સત્ય આંખમાં આંખ પરોવીને સવાલ કરે છે તો જવાબ આપવામાં સામાન્ય નાગરિક જ નહીં પોલીસ પણ ડગમગી જાય છે.

(9:52 pm IST)