Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

જુલાઈ મહીનો શેરબજાર માટે છેલ્લા 17 વર્ષનો સૌથી ખરાબ

નિફટી હેઠળના 50માંથી 44 શેરોમાં ગાબડા પડવા સાથે ઈન્વેસ્ટરોની સંપતિનું ધોવાણ

મુંબઈ :શેરબજાર કેટલાંક વખતથી હતાશ છે અને મંદીમાં ભીંસાઈ રહ્યું છે ત્યારે જુલાઈ મહીનો શેરબજાર માટે છેલ્લા 17 વર્ષનો સૌથી ખરાબ રહ્યો હતો. ઈન્ડેકસને ટકાવવા માટે હેવીવેઈટ શેરોને ઉંચા મથાળે ટકાવી રાખવાના કથિત ખેલ વચ્ચે પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. શેરબજારના નિફટીમાં જુલાઈ મહિનામાં 6 ટકા જેવો ઘટાડો થયો છે જે 2012 પછીનો સૌથી મોટો છે.

2002ના જુલાઈમાં નિફટીમાં 9.35 ટકાનો કડાકો સર્જાયો હતો. ત્યાર પછી આ વખતનો જુલાઈ સૌથી ખરાબ રહ્યો છે. છેલ્લા 17 વર્ષમાં માત્ર પાંચ જ વખત જુલાઈમાં શેરબજાર નબળુ રહ્યું હતું. 2011માં જુલાઈમાં નિફટીમાં 2.93 ટકા, 2012માં 0.95 ટકા તથા 2013માં 1.72 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ગત બજેટમાં સરકારે ઝીંકેલા સુપરરીચ સરચાર્જમાં વિદેશી સંસ્થાકીય ઈન્વેસ્ટરોને પણ ઝપટે લેવામાં આવ્યા હતા. તેના પ્રત્યાઘાત હેઠળ વિદેશી સંસ્થાઓએ જુલાઈમાં 12000 કરોડનો માલ ફુંકી માર્યો હતો. ફેબ્રુઆરીથી જુન દરમ્યાન વિદેશી સંસ્થાઓએ 80000 કરોડ રૂપિયાથી વધુનુ રોકાણ કર્યુ હતું.

   શેરબજારના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે નિફટીમાં ઘટાડો 6 ટકાનો છે. પરંતુ મીડકેપ ઈન્ડેકસ 8.52 ટકા તથા સ્મોલ કેપ ઈન્ડેકસ 11.16 ટકા ગગડયો હતો. તેના આધારે રોકડાના શેરોમાં બ્લડબાજની હાલત હોવાનું સાબીત થાય છે. નિફટી હેઠળના 50માંથી 44 શેરોમાં ગાબડા પડવા સાથે ઈન્વેસ્ટરોની સંપતિનું ધોવાણ થયુ હતું. કોલ ઈન્ડીયા, યશ બેંક, ટાઈટન, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ઓએનજીસી, ગેઈલ, બજાજ ફીન સર્વિસ, જેએસડબલ્યુ સ્ટીલ, ગ્રાસીમ, મહીન્દ્ર જેવા શેરોમાં 21 ટકા સુધીના ગાબડા હતા. ધરખમ મંદી વચ્ચે પણ ઝી એન્ટરટેઈનમેન્ટ, એશિયન પેઈન્ટસ, ઈન્ફોસીસ, સન ફાર્મા, કોટક બેંક, પાવરગ્રીડ તથા ડો. રેડ્ડી ગ્રીન ઝોનમાં રહ્યા હતા.

   નિષ્ણાંતોના કથન પ્રમાણે નબળા ત્રિમાસિક પરિણામો, આર્થિક સ્લોડાઉન, નોન-બેંકીંગ ફાઈનાન્સીયલ કંપનીઓમાં કટોકટી જેવા કારણો માર્કેટનું મોરલ ભાંગી રહ્યા છે. વિકાસદર ઘટવાની આશંકાથી પણ તમામ વર્ગો સાવચેત છે. લાર્જકેપ શેરોમાં નબળાઈ આવી ગઈ છે ત્યારે રોકડાના શેરોનું હાથ પકડવાવાળુ કોઈ ન હોવાની છાપ છે. કારણ કે દરરોજ વધુને વધુ શેરો બાવન સપ્તાહની નીચી સપાટીએ સરકતા જાય છે.

(12:00 am IST)