Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

રિલાયન્સ રિટેલમાં ૨૬ ટકા હિસ્સો લેવા બેજોસ તૈયાર છે

કોર્પોરેટ જગતમાં જોરદાર ચર્ચા છેડાઈ ગઈ : રિલાયન્સની આ પહેલા અલીબાબા ગ્રુપની સાથે મંત્રણા

નવી દિલ્હી, તા. ૧ : ઇ-કોમર્સની મહાકાય કંપની એમેઝોને દેશની સૌથી મોટી રિટેલ રિલાયન્સ્ રિટેલમાં ૨૬ ટકા સુધી હિસ્સેદારી ખરીદવાના સંકેત આપ્યા છે. ઇન્ડસ્ટ્રીના બે વરિષ્ઠ અધિકારીઓએ આ અંગેની માહિતી આપી છે. અલબત્ત એવી સ્પષ્ટતા કરી નથી કે, બંને કંપનીઓ આને લઇને હજુ ચર્ચા કરી રહી છે. રિટેલ બિઝનેસના કારોબારને વેચવાને લઇને રિલાયન્સની આ પહેલા ચીનના અલીબાબા ગ્રુપ સાથે પણ વાતચીત થઇ હતી.

          જો કે, વેલ્યુએશનને લઇને સહમતિ ન થવાને લીધે કારોબારને લઇ સમજૂતિ થઇ ન હતી. કારોબારીઓના કહેવા મુજબ એમેઝોન ભારતની સૌથી મોટી બ્રિક એન્ડ મોર્ટાર ચેઇનમાં લાંબા સમય માટે હિસ્સેદાર બનવા માટે ઇચ્છુક છે. તેમનું કહેવું છે કે, ભારતમાં હજુ પણ ફિઝિકલ આઉટલેટથી જ શોપિંગ કરવા માટેની પરંપરા છે. રિલાયન્સમાં હિસ્સેદારી લેવાને લઇને એમેઝોનને ઇન્ડિયન યુઝર્સ સુધી અનેક ચેનલો દ્વારા પોતાના નેટવર્કને વધારવાની તક મળી છે.

          રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રિલાયન્સની આ સંદર્ભમાં ફ્યુચર ગ્રુપ સાથે પણ વાતચીત ચાલી રહી છે પરંતુ આની ગતિ ખુબ ધીમી દેખાઈ રહી છે. એમેઝોન અને રિલાયન્સના પ્રવક્તાઓએ આ ઘટનાક્રમ પર કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. રિલાયન્સના પ્રવક્તાએ કહ્યું છે કે, અમારી કંપની જુદા જુદા અવસર પર આંકડા અને મુલ્યાંકન કરે છે. એમેઝોન આ મામલામાં ખુબ સાવચેતીપૂર્વક આગળ વધવા ઇચ્છુક છે. કંપની રિલાયન્સ રિટેલમાં ૨૬ ટકાથી ઓછી હિસ્સેદારી ખરીદવા માટે ઇચ્છુક છે.

             આવું કરવાથી રિલાયન્સ રિટેલ એમેઝોનના ભારતીય ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર સેલર તરીકે બની શકે છે. એફડીઆઈના નવા નિયમ મુજબ ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર ચીજવસ્તુઓ વેચનાર કંપનીઓમાં પ્લેટફોર્મની હિસ્સેદારી ૨૬ ટકાથી વધારે હોઈ શકે નહીં. વધારે હિસ્સેદારી ખરીદવા ઉપર તેમને ગ્રુપ કંપની જાહેર કરવામાં આવશે અને સેલર પ્લેટફોર્મ ઉપર ચીજવસ્તુઓ વેચી શકશે નહીં. એમેઝોનની રિલાયન્સ રિટેલમાં હિસ્સેદારી મેળવવા માટે ઇચ્છા માટેના કારણ રિટેલરરની કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ ફોનના માર્કેટમાં અગ્રણી સ્થિતિ છે. રિલાયન્સ રિટેલના ગ્રોસરી સ્ટોરના વિશાળ નેટવર્કથી એમેઝોનને ફુડ એન્ડ ગ્રોસરીના પોતાના પ્લાન ઉપર આગળ વધવામાં તક મળશે. અધિકારીઓના કહેવા મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પોતાના દેવાને ઘટાડવા માટે તે આંતરરાષ્ટ્રીય રિટેલર અથવા તો વ્યૂહાત્મક રોકાણકાર સાથે સમજૂતિ કરવા ઇચ્છુક છે.

(12:00 am IST)