Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

પાસપોર્ટ વેરીફીકેશન માટે હવે પોલીસ ઘરે નહીં આવે

પોલીસ ફોર્મમાં હવે ૧ર ને બદલે ૬ સવાલ : લોકોની હેરાનગતિ હળવી થશે

નવી દિલ્હી, તા. ર : પાસપોર્ટ બનાવવાની વિધીમાં હવે પોલીસ વેરીફીકેશન માટે તમારા ઘર નહીં આવે. સરકારે પોલીસ કર્મચારીઓને અરજદારના ઘરે જવાની અનિવાર્યતા પર પૂર્ણવિરામ મૂકયું છે. પોલીસે પોતાનો રેકોર્ડ તપાસીને અરજદારની ગુનાહીત પૃષ્ઠભૂમિની જાણકારી દેવાની રહેશે.

મુખ્ય પાસપોર્ટ અધિકારી અને સંયુકત સચિવ અરૂણકુમાર ચેટરજીએ નિયમોમાં ફેરફારની પુષ્ટિ કરતા કહ્યું કે પોલીસ વેરીફીકેશનમાં અરજદારના ઘરે જઇને ફોર્મ પર સહી કરાવવી જરૂરી નથી. પોલીસે અરજદાર સાથે વાત કરવાની પણ જરૂર નથી. રાજયોને આ વ્યવસ્થા તાત્કાલિક ધોરણે અમલમાં લેવાનું કહેવાઇ ગયું છે.

ફકત ૬ સવાલ

સુત્રોએ કહ્યું કે પોલીસ ફોર્મમાં ૧ર સવાલોને બદલે ૬ સવાલ કરી દેવાયા છે. જયારે પોલીસે ઘરે જવાની અનિવાર્યતા બંધ થવાથી અરજદારને પરેશાની નહીં થાય અને અપૂરતા સ્ટાફનો સામનો કરી રહી રહેલ પોલીસને પણ ફાયદો થશે કારણ વગર થતું મોડુ પણ નિવારી શકાશે.

વહેલુ વેરીફીકેશન થાય તો પોલીસને વધુ પૈસા

સામાન્ય પાસપોર્ટમાં જો વેરીફીકેશન ર૧ દિવસમાં થાય તો પોલીસ વિભાગને દરેક અરજી પર ૧પ૦ રૂપિયા આપવામાં આવે છે જયારે નિર્ધારીત સમય પછી કરાયેલ વેરીફીકેશનના પ૦ રૂપિયા જ મળે છે.

ફકત હાલના સરનામાની જાણકારી દેવી પડશે

સુત્રોએ જણાવ્યું કે જો પોલીસ કર્મચારીને અરજદારની ગુન્હાહીત પૃષ્ઠભૂમિ જાણવા માટે તેના ઘરે જવું જરૂરી લાગે અથવા બીજી કોઇ તપાસ જરૂરી હોય તો તે જઇ શકે છે, પણ ઘરે જઇને તેના ઘરનું વેરીફીકેશન અથવા ફોર્મ પર સહી લેવાનું બંધ કરી દેવાયું છે. અરજદારે પોતાના જુના સરનામાની માહીતી આપવાને બદલે ફકત હાલના સરનામાની માહિતી આપવાની છે. (૮.૬)

(11:36 am IST)