Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ઉત્તર પ્રદેશના આગ્રા-લખનઉ અેક્સપ્રેસ વે ઉપર પ૦ ફુટ ઉંડા ખાડામાં SUV કાર પડીઃ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કઢાયા

આગ્રાઃ ઉત્તર પ્રદેશના આગ્રા-લખનઉ અેક્સપ્રેસ વે ઉપર SUV કાર પ૦ ફુટ ઉંડા ખાડામાં પડતા તેના મુસાફરોને સુરક્ષિત રીતે ખાડામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

દુર્ઘટનામાં માંડ માંડ બચેલા મુસાફરોએ જણાવ્યું કે, તેઓ કન્નોજના રહેવાસી છે અને મુંબઈમાં એક કાર ખરીદવા ગયા હતા. કારમાં બેઠેલા રચિતે મીડિયાને જણાવ્યું કે, “મારી સાથે પરિવારના 3 સભ્યો હતા. મુંબઈથી એક SUV ખરીદીને પરત આવતા હતા. રસ્તો ખબર ન હોવાથી GPSની મદદથી એક્સપ્રેસવે પર આવતા બતા. દરમિયાન અચાનક નેટવર્ક જતું રહેતા GPS બંધ થઈ ગયું. એટલે સર્વિસ લેન પર આવી ગયા. અમારી ગાડી સ્પીડમાં હતી એટલે સર્વિસ રોડ પર ખાડો ન દેખાયો. ડ્રાઈવર બ્રેક લગાવે તે પહેલા જ ગાડી 50 ફૂટના ખાડામાં પડી અને ફસાઈ ગઈ.

સ્થાનિકોને આ વાતની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને જાણ કરી. સ્થાનિકોની મદદથી કારમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, જો કાર થોડી પણ ત્રાંસી હોત તો ખાડામાં ઊંડે પડી ગઈ હોત અને પછી કાર સવારોને બચાવવા મુશ્કેલ હોત.

સમાજવાદી સરકારમાં આ એક્સપ્રેસવેને 22 મહિનાના રેકોર્ડ સમયમાં બનાવાયો હતો. એક્સપ્રેસવે બનાવવામાં 13,200 કરોડનો ખર્ચો થયો હતો. એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે 21 નવેમ્બર 2016ના રોજ કર્યું હતું. આ એક્સપ્રેસવે 302 કિલોમીટર લાંબો છે.

(9:24 am IST)