Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ટુંકમાં નાણાંકીય સંસ્થાઓના કારોબારી કલાકો વધી શકે છે

આરબીઆઈ દ્વારા ખાસ ગ્રુપની રચના કરાઈ : સિક્યુરિટી માર્કેટના કેટલાક સેગ્મેન્ટમાં કારોબારી કલાક વધારાવા નિર્ણય બાદ આરબીઆઈની સક્રિય વિચારણા

મુંબઈ, તા. ૧ : ઇન્ડિયન ફાઈનાન્સિયલ  સંસ્થાઓ અને ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સમીક્ષા હેઠળ રહેલી નાણાંકીય સંસ્થાઓના વર્કિંગ અવરમાં ટુંક સમયમાં સુધારો કરવામાં આવશે અને આને વૈશ્વિક માર્કેટની સાથે જોડી દેવામાં આવશે. પોલિસી સમીક્ષા જારી કરવામાં આવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વી આચાર્યએ કહ્યું છે કે, રિઝર્વ બેંક દ્વારા પેમેન્ટ અને સેટલમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વર્કિંગ અવરને સુધારવામાં જુદા જુુદા પાસા પર વિચારણા કરવા એક આંતરિક વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવી રહી છે. સ્થાનિક ફાઈનાન્સિયલ સંસ્થાઓના કલાકોમાં સુધારાની જરૂરીયાત દેખાઈ રહી છે. સિક્યુરિટી માર્કેટના કેટલાક સેગ્મેન્ટમાં ખાસ કરીને ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ કલાકોમાં વધારો કરવાનો નિર્ણય સ્થાનિક સ્ટોક એક્સચેંજ દ્વારા કરવામાં આવ્યા બાદ આ દિશામાં હિલચાલ ચાલી રહી છે. વૈશ્વિક બજારોની જેમ જ સરકાર આ દિશામાં આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં આરબીઆઈ ઇન્ડિયન ફાઈનાન્સિયલ સંસ્થાઓના કારોબારી કલાકો સુધારો કરવા માટે ગંભીરતાપૂર્વક વિચારી રહી છે. ટૂંક સમયમાં અંતિમ નિર્ણય કરવામાં આવી શકે છે. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી મુજબ જ રિઝર્વ બેંકે તેના ચાવીરુપ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૫૦ ટકા થઇ ગયો છે જે બે વર્ષની ઉંચી સપાટી છે.ફુગાવાને કાબૂમાં લેવાના હેતુસર આ પગલા લેવામાં આવી રહ્યા છે.

(12:00 am IST)