Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

અમદાવાદની સ્વિમર માના પટેલની મોટી સિદ્ધિ : ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનાર પહેલી ભારતીય મહિલા

રમતગમત મંત્રી કિરણ રિજીજુએ માના પટેલની આ ઉપલબ્ધિ પર ટ્વિટ કરી માહિતી અને અભિનંદન પાઠવ્યા

ભારતની બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલે ભારતીય મહિલાઓના સ્તર પર મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. તે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર દેશની પહેલી મહિલા બની ગઇ છે. આ સિવાય તે એવી માત્ર ત્રીજી ભારતીય છે જેને ઓલિમ્પિક માટે આ રમતમાં કેટેગરીમાં ક્વોલિફાય કર્યું છે. ભારતના રમતગમત મંત્રી કિરણ રિજીજુએ માના પટેલની આ ઉપલબ્ધિ પર ટ્વિટ કરી માહિતી અને અભિનંદન પાઠવ્યા છે.

રિજિજુએ ટ્વિટ કરી કહ્યું કે બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલ ભારતની પહેલાં મહિલા અને ત્રીજી ભારતીય સ્વિમર બની ગઇ છે જેને ટોક્યો 2020 માટે ક્વોલિફાય કરી લીધું છે. હું માનાને અભિનંદન પાઠવું છું જેણે યુનિવર્સિલિટી કોટાની અંતર્ગત ક્વોલિફિકેશન પ્રાપ્ત કર્યું. વેલ ડન.

ગુજરાતનું ગૌરવ 21 વર્ષની અમદાવાદી માના પટેલે જાપાનના ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે ક્વોલિફાઇ કરી લીધું છે. માના પટેલનો જન્મ 18 માર્ચ 2000ના રોજ અમદાવાદમાં થયો હતો. માના પટેલે અમદાવાદની ઉદગમ સ્કૂલ ફૉર ચિલ્ડ્રનમાંથી વાણિજ્યનો અભ્યાસ કર્યો છે. ગુજરાત વિદ્યાપીઠમાં આવેલ સ્વિમિંગ પુલમાં તે તરતાં શીખી છે. જ્યાં કમલેશ નાણાવટીએ તેને સ્વિમિંગની ટ્રેનિંગ આપી હતી. હાલમાં મુંબઈના ગ્લેનમાર્ક એક્વા ફાઉન્ડેશનમાં સ્વિમિંગનું પ્રશિક્ષણ આપી રહી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે માના પટેલ 7 વર્ષની હતી ત્યારથી જ તરવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે હૈદરાબાદ ખાતે યોજાયેલ જૂનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમાં માના પટેલે ત્રણ રેકોર્ડ તોડ્યા હતા. આ ઉપરાંત નેશનલ ગેમ્સમાં માના પટેલે 50 મીટર બેકસ્ટ્રોક અને 200 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ જીત્યો છે.

(1:02 pm IST)