Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

નેપાળમાં રાજકીય ભૂકંપ, વડાપ્રધાન કેપી ઓલી દેશને સંબોધિત કરશે

ભારત વિરોધી વડાપ્રધાન કેપી ઓલી પોતાના દેશમાં ફસાયા : દેશમાં બરોબર કામ કરતા ન હોઈ નેપાળના વિપક્ષી દળો વડાપ્રધાન કેપી ઓલીના રાજીનામાની માગણી કરી રહ્યા છે

કાઠમંડુ, તા. : નેપાળમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે. વડાપ્રધાન કેપી ઓલી સતત પોતાની ખુરશી બચાવવાની કોશિશ કરી રહ્યા છે. દરમિયાન ગુરુવારે વડાપ્રધાન કે.પી.ઓલીએ કેબિનેટની બેઠક પહેલાં રાષ્ટ્રપતિ વિદ્યા ભંડારી સાથે મુલાકાત કરી છે. મુલાકાત દરમિયાન તેમણે રાજકીય ઘટનાક્રમમાં પરિવર્તન લઈને ચર્ચા કરી છે. ત્યારબાદ સરકાર તરફથી બોલાવાયેલી ઈમરજન્સી કેબિનેટ બેઠકમાં વર્તમાન બજેટ સત્રને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

           વડાપ્રધાન કેપી ઓલી સતત  વિપક્ષી દળોના નિશાન પર છે અને કેટલાય નેતાઓ તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે. નેતાઓનું કહેવું છે કે કેપી ઓલી બરાબર કામ કરી રહ્યા નથી. દરમિયાન કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન કે.પી.ઓલી નેપાળની જનતાને સંબોધિત કરી શકે છે. સંબોધનમાં ખુદ પર લાગેલાં આરોપને લઈને દેશની જનતા સાથે વાતચીત કરી શકે છે.

          અત્રે ઉલ્લેખનીય છે કે નેપાળના વડાપ્રધાન વિરુદ્ધ માહૌલ ત્યારે બનવાનો શરુ થયો, જ્યારે તેમણે સંસદમાં વિવાદિત નકશા ધરાવતું બિલ પસાર કર્યું હતું, જેમાં ત્રણ ભારતીય વિસ્તારોને નેપાળનો હિસ્સો ગણાવ્યા હતા. ભારત વિરોધી વલણ ધરાવતા કેપી ઓલીની સરકાર પડવાની નજીક પહોંચી ગઈ છે. ઓલીએ પોતાની સરકાર પાડવાની કોશિશ કરવાનો ભારત પર આરોપ લગાવ્યો છે. હવે દેશના નામે સંબોધનમાં ફરી એકવાર ભારત પર ગંભીર આરોપ લગાવી શકે છે.જોકે, કે.પી.ઓલીની ભારત વિરોધ નિવેદનબાજીને લઈને નેપાળના મોટા નેતાઓ સતત તેમની ટીકા કરી રહ્યા છે અને તેમના ભારત વિરોધી વલણની ટીકા કરી રહ્યા છે.

(9:27 pm IST)