Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

‘શરમજનક’: આતંકી હુમલાનો શિકાર બાળક પર કોમેન્ટ કરતા સંબિત પાત્રા ફરીવાર નિશાને ચડ્યા

રાજકીય અને બોલીવુડની હસ્તીઓએ પાત્રાની હરકતને શરમજનક ગણાવી

નવી દિલ્હી : સોપોરમાં આતંકવાદી હુમલા દરમિયાન બચાવવામાં આવેલા 3 વર્ષના બાળકને જમ્મુ કાશ્મીર પોલીસ બાળકની માતા પાસે લઇને જતી હતી. આ દરમિયાન તે રડતા બાળકને ચુપ કરાવવાનો પ્રયાસ કરી રહી છે. બાળક હુમલા દરમિયાન પોતાના મૃત સબંધી પાસે બેઠેલો હતો. જમ્મુ કાશ્મીરના સોપોરમાં સીઆરપીએફ ટીમ પર થયેલા એક આતંકી હુમલા દરમિયાન 1 જવાન શહીદ થઇ ગયો હતો, જ્યારે એક નાગરિકનું પણ મોત થયુ હતું. આ હુમલા દરમિયાન એક ત્રણ વર્ષના બાળકની દર્દનાક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આ તસવીરમાં બાળક હુમલામાં મૃત પોતાના પરિવારજનના શબ પાસે બેઠેલો છે. આ તસવીરને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ શેર કરી છે. આ તસવીરને શેર કરતા સંબિત પાત્રાએ લખ્યુ- ‘પુલિત્ઝર લવર્સ???’ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા ફરી એક વખત ટ્વિટર પર ટ્રેન્ડમાં આવી ગયા છે. સંબિત પાત્રાની આ ટ્વીટને બોલિવૂડ હસ્તીઓ સહિતનાઓએ શરમજનક ગણાવી છે.

આ વર્ષે બેસ્ટ ફીચર ફોટોગ્રાફી કેટેગરીમાં પુલિત્ઝર એવોર્ડ એસોસિએટ પ્રેસ (એપી)ના કાશ્મીરના ત્રણ ફોટોગ્રાફરો મુખ્તાર ખાન, ડાર યાસીન અને જમ્મુના ચન્ની આનંદને આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ તેમણે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારી કલમ-370ને હટાવવામાં આવ્યા બાદ જોવા મળેલી સ્થિતિની કેટલીક તસવીરો પર આપવામાં આવ્યો હતો.

સંબિત પાત્રાના આ નવા ‘પુલિત્ઝર લવર્સ???’ ટ્વીટને લોકો અસંવેદનશીલ ગણાવી રહ્યા છે. વિશાલ દદલાની, દિયા મિર્ઝા, હંસલ મહેતા, જિગ્નેશ મેવાણી સહિત કેટલીક હસ્તીઓએ આ તસવીરને લઇને સંબિત પાત્રા પર નિશાન સાધ્યુ છે.

દિયા મિર્ઝાએ લખ્યુ કે શું તમારામાં બિલકુલ પણ સહાનુભૂતિ નથી રહી, કોઇ વસ્તુ માટે તો પાત્રાનો જવાબ હતો કે આ એવો સમય છે જ્યારે તમારા જેવા લોકોએ પ્લેકાર્ડ લટકાવવો જોઇએ કે ‘કાશ્મીરમાં પાક.પ્રાયોજિત જિહાદથી શરમ આવે છે.’પરંતુ તમે લોકો આવુ નહી કરો કારણ કે તમે લોકો સિલેક્ટિવ છો.’

(1:03 pm IST)