Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

આજથી પ્રવાસીઓ માટે ગોવા ખુલ્યુઃ એન્ટ્રી માટે શરતોનું કરવું પડશે પાલન

એક સમયે ગોવા દેશનું પહેલું કોરોના મુકત રાજય હતું

પણજી, તા.૨: દેશભરમાં એકબાજુ કોરોના મહામારી દિવસે દિવસે ફેલાઈ રહી છે ત્યારે ગોવાએ પ્રવાસીઓ માટે ગુરુવારથી પ્રવાસીઓ માટે ખોલવાની જાહેરાત કરી દીધી છે અને ત્યાં ૨૫૦ હોટલોએ ગુરૂવારથી ખોલવાનો નિર્ણય લીધો છે. ગોવામાં ફરવા માટે આવનારા દરેક પ્રવાસીઓએ તેમની સાથે નેગેટિવ રિપોર્ટ લઈને આવવાનું રહેશે.

ગોવાના પર્યટન મંત્રી એમ અજગાંવનકરે જણાવ્યું હતું કે, ગુરૂવારથી ગોવા પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે અને આ સાથે જ ૨૫૦ હોટલને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. ગોવામાં પ્રવેશ કરનારા દરેક પ્રવાસીઓએ ૪૮ કલાકની અંદરના કોરોનાનો નેગેટિવ રિપોર્ટ સાથે લઈને આવવાનો રહેશે અથવા તો અનિવાર્ય રૂપે કોરોનાનું ટેસ્ટિંગ ત્યાં કરાવવું પડશે.

એક સમયે ગોવા દેશનું પહેલું કોરોના મુકત રાજય હતું પરંતુ ત્યારબાદ અહીં કેસ સતત વધવા માંડ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બુધવારે જાહેર કરવામાં આવેલા કોરોના અપડેટ્સમાં રાજયમાં કુલ ૧૩૧૫ કોરોનાના કેસ નોંધાયા છે, જેમાં ૭૧૬ એકટીવ કેસ છે.

સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગોવામાં કુલ ૧૩૧૫ કેસ છે, જેમાંથી ૫૯૬ લોકો સ્વસ્થ થઇ ચૂકયા છે જયારે ૭૧૬ દર્દીઓની સારવાર ચાલી રહી છે અને ત્રણ વ્યકિતઓના મોત નિપજયા છે.

(11:22 am IST)