Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

GSTનાં રેટમાં ફેરફારો કરવા તૈયારી

કાઉન્સીલની આગામી બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાશે

 નવી દિલ્હી તા. ર :.. ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) કાઉન્સીલ આગામી બેઠકમાં રેટમાં ફેરફાર અંગે વિચારી શકે છે. આ ઉપરાંત આ બેઠકમાં જીએસટીના સ્લેબ્સની સંખ્યામાં ઘટાડો કરવા, આઇટી સિસ્ટમ્સમાં સુધારો કરવા પણ વિચારણા થઇ શકે છે, એમ નાણાસચિવ અજય ભુષણે ઇટીને જણાવ્યું હતું. તેમણે કહયું કે રાજયોને આપવામાં આવનારા વળતરના મુદા અંગે સક્રિય રીતે ચર્ચા થઇ રહી છે. આવક સુધારવા અને રાજયોની ખર્ચશકિત વધારવા માટે કેટલાંક સુચનો કરવામાં આવ્યા છે. તેમાં કાઉન્સીલ બજારમાંથી ઋણ લઇને રાજયોને ચૂકવણી કરવા માટે પણ વિચારી શકે છે.

પાંડેએ જણાવ્યું હતું કે, 'રેટ રેશનલાઇઝેશન, વેપારમાં અવરોધ સર્જતું ઇન્વર્ટેડ ડયુટી સ્ટ્રકચર દૂર કરવું અને તેની સાથે સ્લેબ્સની સંખ્યા ઓછી રાખવી વિચારણા હેઠળ છે. કાઉન્સીલ આ બધા અંગે અત્યંત વ્યવહારૂ વિકલ્પ અપનાવશે. જીએસટીમાં સાત સ્લેબ્સ છે અને ઘણી બાદબાકી કરાયેલી ચીજવસ્તુઓ છે. નીતિગત ઘડવૈયાઓએ નિર્દેશ કર્યો છે કે બહુ-બહુ તો ત્રિસ્તરીયા કરમાળખું યોગ્ય છે.'

લોકડાઉનના લીધે જીએસટીમાં આવેલી ઘટના લીધે કેન્દ્ર રાજયોને વળતર ચૂકવવા સમર્થ નથી. તેમણે જણાવ્યું હતું કે જીએસટી વળતરના કાયદા મુજબ જીએસટીના લીધે આવકમાં ઘટ પડે તો જીએસટી કાઉન્સીલ નકકી કરશે કે આ માટે શું કરી શકાય, તેની આ બેઠકમાં ચર્ચા થઇ શકે છે. કાઉન્સીલની બેઠક આ મહિનામાં ગમે તે સમયે યોજાઇ શકે છે અને રાજયોને આપવામાં આવનારું વળતર છેલ્લી કેટલીય બેઠકોમાં ચર્ચાનો ચાવીરૂપ મુદો રહ્યો છે. પાંડેએ જણાવ્યું છે કે વળતરનો તફાવત અર્થતંત્રમાં આવેલી નરમાઇના લીધે ૧૪ ટકા થશે. પરંતુ તે જીએસટી સિસ્ટમના લીધે નહીં હોય.

(11:18 am IST)