Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

શિવરાજસિંહ કેબિનેટનું આજે વિસ્તરણ કરવામાં આવશે

મંત્રીમંડળ વિસ્તરણને ભાજપના અધ્યક્ષે મંજૂરી આપી : ૨૫ નવા મંત્રી બનશે : જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથના ૧૦ મંત્રી બનશે, ભાજપના દિગ્ગજ નેતાઓમાં અસંતોષ

ભોપાલ, તા. ૧ : મધ્યપ્રદેશમાં આવતીકાલે ગુરુવારના રોજ બપોરે શિવરાજસિંહ ચૌહાણ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ મંત્રીમંડળના વિસ્તરણને મંજૂરી આપી છે. મધ્યપ્રદેશની કેબિનેટમાં ૨૫ થી ૩૦ નવા ચહેરાને સ્થાન મળી શકે છે.

શિવરાજસિંહ ચૌહાણના મંત્રીમંડળનું વિસ્તરણ ખૂબ લાંબા સમયથી અટકી પડ્યું હતું. શિવરાજસિંહ જ્યારેથી દિલ્હી હાઈકમાન્ડને મળીને પરત આવ્યા હતા ત્યારથી અટકળો થઈ રહી હતી અને બુધવારે બપોરે મુખ્યમંત્રીએ કહ્યું કે આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. ભાજપ સરકારના વિશ્વસનીય સૂત્રોના કહેવા અનુસાર શિવરાજસિંહ ચૌહાણ મંત્રીમંડળના વિસ્તરણમાં ૨૫ મંત્રીઓ શપથ લે તેવી શક્યતા છે. જેમાં ૧૦ મંત્રીઓ જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથના હશે.

સિંધિયાની સાથે આઠ મંત્રીઓએ કમલનાથ સરકારમાંથી રાજીનામા આપ્યા હતા, જે પૈકી બે તો પ્રથમ તબક્કામાં મંત્રી બન્યા હતા. બાકી છ પૂર્વ મંત્રીઓની સાથે ચાર અન્ય નામ પણ સિંધિયા જૂથમાંથી ઉમેરવામાં આવ્યા છે. ભાજપમાં પણ પરંપરાગત રીતે બનવા ઉત્સુક ધારાસભ્યોના નામ આ વિસ્તરણમાંથી કાપવામાં આવ્યા છે. શિવરાજ સરકારના મંત્રીમંડળનું આવતીકાલે વિસ્તરણ થશે, જેમાં ઈમરતી દેવી, મહેન્દ્રસિંહ સિસોદિયા, પ્રધ્યુમન્ન તોમર, પ્રભુરામ ચૌધરી, રાજ્યવર્ધનસિંહ, હરદીપ ડંગ, બિસાહૂલાલ, અંદલસિંહ કંસાના, રણવીર જાટવ, ઓપી એસ ભદૌરિયા આ તમામ જ્યોતિરાદિત્ય સિંધિયા આપ્યા છે. શિવરાજસિંહે જૂથે જે નામો આપ્યા છે, એમાં ગોપાલ ભાર્ગવ, ભૂપેન્દ્રસિંહ, અરવિંદ ભદૌરિયા, યશોધરા રાજે સિંધિયા, મોહન યાદવ, ચેતન્ય કશ્યપ, રામેશ્વર શર્મા, ગિરીશ ગૌતમ, દેવી સિંહ, નંદની મરાવી, ઉપા ઠાકુર, વિષ્ણુ ખત્રી, પ્રેમસિંહ પટેલ, સંજય પાઠક, યશપાલ સિસોદિયા સામેલ છે. મંત્રીમંડળની સંભવિત યાદીમાં છેલ્લી ક્ષણે ફેરફાર થઈ શકે છે. અહીંયા નોંધવું રહ્યું કે મધ્યપ્રદેશ ભાજપની સામે મોટું સંકટ એ છે કે તેમની પાસે જૂના નેતાઓની એક મોટી યાદી છે, પરંતુ આવનારા દિવસોમાં ૨૪ સીટો પર પેટાચૂંટણી યોજાનાર છે, એટલા માટે પાર્ટી એ જગ્યાના લોકોને ચૂંટણી દરમિયાન મજબૂત કરવાની કોશિશ કરી રહી છે. સિંધિયા જૂથના મંત્રીઓની સંખ્યા વધુ હોવાથી ભાજપમાં આંતરિક રોષ જોવા મળી રહ્યો છે.

(12:00 am IST)