Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

મુંબઇના જુદા જુદા વિસ્તારમાં છ ફુટ સુધીના પાણી

પુણે અને મુંબઇમાં જુદા જુદા બનાવોમાં રર લોકોના મોત : ભારે વરસાદથી એરપોર્ટ ઉપર પાણી : પ૪ થી વધારે ફલાઇટ આખરે ડાયવર્ટ કરવાની ફરજ : સ્કુલો કોલેજમાં રજા જાહેર : લોકોને ઘરમાં રહેવાના આદેશ

મુંબઇ, તા. ૨: દેશના વાણિજ્ય પાટનગર મુંબઇ સહિત મહારાષ્ટ્માં ભારે વરસાદના કારણે હાલત કફોડી બનેલી છે. અતિ ભારે વરસાદ છેલ્લા કેટલાક દિવસથી પડી રહ્યો છે જેના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે. મુંબઇમાં છેલ્લા કેટલાક દશકોમાં સૌથી વધારે વરસાદ થયો છે. પુણે અને મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે દિવાળ ધસી પડવાની જુદી જુદી ઘટનામાં ૨૨ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં તો પાંચથી છ ફુટ સુધીના પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે મોડી રાત્રે મલાડ ઇસ્ટ-કલ્યાણ અને પુણેમાં દીવાલ પડવાના કારણે ૨૨ લોકોના મોત થયા છે. મલાડ-ઇસ્ટમાં પિમ્પરીપાડામાં દીવાળ ધરાશાયી થવાની ઘટના બની હતી. ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. મુંબઇ એરપોર્ટ ખાતેથી  ૫૪થી વધારે ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે મલાડ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારને પાંચ પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સરકારે આજે દરેક સરકારી અને ખાનગી સ્કુલોને બંધ રાખવાની જાહેરાત કરી છે. મોટી સંખ્યામાં ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. મુંબઇમાં  ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.   શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો આજે જળબંબાકાર બની ગયા હતા. પાણી ભરાઇ જવાના કારણે ભારે અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ મુંબઇ અને આસપાસના વિસ્તારો તેમજ મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે.મુંબઇ અને આસપાસના વિસ્તારો માટે ભારે વરસાદને લઇને એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત એરપોર્ટ, પવઇ, એસવી રોડ, વીરા દેસાઇ રોગ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જુહુમાં પણ પાણી ભરાઇ ગયા છે.  જે વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઇ હતી તેમાં તમામ ભરચક રહેતા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. વરસાદના પરિણામ સ્વરુપે ઉપનગરીય વિસ્તારોમાં લોકલ ટ્રેન સ્ટેશનો ઉપર જોરદાર ભીડ જામી હતી. વરસાદ બાદ ટ્રાફિકની હાલત કફોડી બની હતી.  હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૩૬ કલાક સુધી મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને મુંબઈ, થાણે, રત્નાગીરી અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઇ શકે છે. ભારે વરસાદની ચેતવણી બાદ તંત્ર સાબદુ થઇ ગયું છે. વેસ્ટર્ન રેલવેના કહેવા મુજબ પાલઘરમાં ભારે વરસાદના લીધે રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળ્યા છે. યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને અનેક ટ્રેનો રદ કરવામાં આવી ચુકી છે. ભારે વરસાદથી હિંદમાતા, સાયન, કુર્લા, બાંદરા, દાદર, કિંગ સર્કલ, એરિયા, ચેમ્બુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા હતા. પાલઘરમાં રેલવે ટ્રેક પર પાણી જમા થવાના કારણે રેલવે સેવા ખોરવાઇ ગઇ હતી. કેટલીક ટ્રેનોને રદ કરવાની ફરજ પડી હતી. મુંબઇ અને આસપાસના વિસ્તારમાં ગુરૂવારના દિવસે રાત્રી ગાળાથી જ ભારે વરસાદ થઇ રહ્યો છે. વેસ્ટર્ન રેલવેના કહેવા મુજબ મુંબઇ ડિવિઝનના પાલઘરમાં રવિવાર રાત્રી ગાળાથી ભારે વરસાદ થઇ રહ્યો છે. જેના કારણે હાલત કફોડી બની ગઇ છે. યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને મુંબઇ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે અથવા તો તેમના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ સ્થિતી પર ચાંપતી નજર રાખી રહ્યા છે. સુરક્ષાના કારણોસર કેટલીક ટ્રેનો હાલમાં ધીમી ગતિથી ચાલી રહી છે. કેટલીક ટ્રેનોને રોકી દેવાની ફરજ પડી છે. સવારમાં ભારે વરસાદના કારણે લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા હતા. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે.મુંબઇમાં છેલ્લા પાંચ દિવસથી અતિ ભારે વરસાદ થઇ રહ્યો છે. જેથી લોકોની હાલત કફોડી બનેલી છે. હાલમાં લોકોને કોઇ રાહત મળે તેવી શક્યતા નહીંવત છે. કારણ કે ભારે વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં એનડીઆરએફ અને અન્ય ટીમો લાગેલી છે. ફાયરની ટીમ પણ સતત વ્યસ્ત રહી છે., હાલમાં એરપોર્ટના મુખ્ય રનવેને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જુદા જુદા વિસ્તારમાં દિવાલ પડવાની ઘટના બની છે. પુણેમાં અંબેગામમાં આવેલી સિંધડ કોલેજની એક દિવાલ ધરાશાયી થઇ હતી.જેમાં છથી વધારે લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. 

(3:39 pm IST)