Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

મા કમાતી હોય તો પણ બાળકોના ભરણ પોષણમાંથી છટકી ન શકે પિતા દિલ્હી હાઇકોર્ટનો ચુકાદો

નવી દિલ્હી તા. ર :.. પોતાની અલગ રહેતી પત્ની કમાય છે એવું બહાનુ બતાવીને કોઇ વ્યકિત પોતાના બાળકોના ભરણ પોષણની જવાબદરીમાંથી છટકી ન શકે એવું દિલ્હી હાઇકોર્ટનું કહેવું છે. હાઇકોર્ટે ગઇકાલે કહ્યું કે પાલન પોષણમાં ઘણો સમય અને મહેનત લાગે છે. અદાલતે એક મહિલાને આપવામાં આવેલી વચગાળાની સહાયતા રાશી જેમની તેમ રખતા આ વાત કહી હતી.

ન્યાયમૂર્તિ સંજીવ સચદેવાએ કહ્યું કે બાળકોના ખર્ચ માટે મા-બાપને સરખા જવાબદાર ગણાવવા એ બરાબર નથી. બાળકને ઉછેરવામાં મા દ્વારા અપાયેલ સમય અને મહેનતની કોઇ કિંમત નકકી ન થઇ શકે. જો મા કમાતી હોય તો તેણે પણ બાળક  ઉપર થતા ખર્ચમાં પોતાનું યોગદાન આપવું જોઇએ પણ ખર્ચને બેય વચ્ચે સરખા ભાગે વહેંચી ન શકાય.

એક વ્યકિતએ નીચલી અદાલતોના ચુકાદાની સામે કરેલી પોતાની અરજીમાં એવી દલીલ કરી હતી કે તેની પાસે પૈસા નથી અને તેની પત્ની બીઝનેસ કરે છે એ આધાર પર તેના પર પોતાની પત્ની અને નાની દિકરીઓની જવાબદારી ન નાખવામાં આવે.

તેની દલીલને રદ કરતા હાઇકોર્ટે કહયું કે, અલગ રહેતી પત્ની કમાય છે એટલા જ કારણસર પતિને કામ ન કરવાની અથવા બાળકોના ભરણ પોષણથી છટકવાની છૂટ ન મળી શકે. કોર્ટે એ પણ ધ્યાનમાં લીધું હતું કે નીચલી કોર્ટને જાણવા મળ્યું હતું કે પતિના ખાતામાંથી ઘણા પૈસાની લેવડ દેવડ થઇ છે.

(11:36 am IST)