Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

સંઘના આમંત્રણ સ્વીકારવા મુદ્દે પ્રણવે અંતે તોડેલું મૌન

નાગપુરમાં તમામ પ્રશ્નોનો જવાબ આપશે : પ્રણવ : સંઘના કાર્યક્રમમાં ભાગ ન લેવા માટે અનેકના પત્રો આવ્યા છે : અનેકના ફોન આવ્યા છે : પ્રણવ મુખર્જીની કબુલાત

કોલકતા,તા. ૨ : આરએસએસના નાગપુરમાં થનાર કાર્યક્રમમાં જવાને લઈને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આખરે મૌન તોડ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તેઓ નાગપુરમાં જ જવાબ આપશે. બંગાળી અખબાર આનંદ બજારને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રણવ મુખર્જીએ કહ્યું છે કે તેમને જે કંઈપણ કહેવું છે તે નાગપુરમાં કહેશે. તેમની પાસે કેટલાક પત્રો આવ્યા છે. કેટલાક લોકોના ફોન પણ આવ્યા છે પરંતુ કોઈને જવાબ આપ્યો નથી. જયરામ રમેશ અને સીકે જાફર સહિત જેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પ્રણવ મુખર્જીને પત્ર લખીને કાર્યક્રમમાં ન જવા માટે કહ્યું છે. જયરામ રમેશે કહ્યું છે કે તેમના જેવા વિદ્વાન અને સેક્યુલર વ્યક્તિને સંઘની સાથે કોઈપણ પ્રકારના નજીકના સંબંધો દર્શાવા જોઈએ નહી. સંઘના કાર્યક્રમમાં જવાથી દેશના સેક્યુલર માહોલ પણ માઠી અસર થશે. બીજી બાજુ કેરળ વિધાનસભામાં નેતા રમેશ ચેન્નીથાલાએ કહ્યું છે કે સંઘના કાર્યક્રમમાં જવાના પૂર્વ રાષ્ટ્રપતિના નિર્ણયથી સેક્યુલર વિચારધારાને મોટો ફટકો પડશે. પ્રણવ મુખર્જીને સંઘના કાર્યક્રમમાં જવું જોઈએ નહીં. જયરામ રમેશે કહ્યું છે કે પ્રણવ મુખર્જી જેવા મહાન નેતા જે તમામ લોકો માટે માર્ગદર્શક તરીકે રહ્યા છે તે વ્યક્તિએ મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમમાં ભાગ લેવા તૈયારી દર્શાવી છે. આને લઈને કોંગ્રેસના નેતા જોરદાર વિરોધ કરી રહ્યા છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે પ્રણવ મુખર્જી દ્વારા આમંત્રણ સ્વીકારવામાં આવ્યા બાદ એક ખૂબ સારી પહેલ થઈ છે. રાજકીય અસ્પૃશ્યતા સારી બાબત નથી. મુખર્જી નાગપુરમાં સાતમી જૂનના દિવસે સંઘના કાર્યકરોને સંબોધન કરનાર છે. સંઘના શૈક્ષણિક પાઠ્યક્રમના તૃતિય શિક્ષણ વર્ગની કામગીરી પૂર્ણ કરનાર કાર્યકરોને પ્રણવ મુખર્જી સંબોધશે.

(7:12 pm IST)