Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ઉત્તરપ્રદેશ : મહાગઠબંધન બનતા પહેલા નવી સમસ્યા

માયાવતી દ્વારા ૮૦ પૈકી ૪૦ સીટની માંગણી કરી : કૈરાના અને નુરપુર સીટ ઉપર જીત બાદ માયાવતી મૌન રહેતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ : અખિલેશ ઉત્સાહિત

લખનૌ,તા. ૨ : ઉત્તરપ્રદેશમાં વર્ષ ૨૦૧૯ની ચૂંટણી માટે ભાજપની સામે મહાગઠબંધનની તૈયારીમાં પહેલાથી જ કેટલીક અડચણો આવી ગઇ છે. કૈરાના અને નુરપુરમાં પેટાચૂંટણીમાં જીત બાદ એકબાજુ બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતી મૌન દેખાઇ રહ્યા છે.બીજી બાજુ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ ભારે ખુબ અને ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. માયાવતીના મૌનને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. એમ માનવામાં આવે છે કે મહાગઠબંધનની ચાલી રહેલી વાત વચ્ચે સીટોની ફાળવણીના મામલે ખેંચતાણ છે. માયાવતી દ્વારા વધારે સીટની માંગ કરવામાં આવી છે. જાણકાર લોકોના કહેવા મુજબ માયાવતીએ ૮૦ લોકસભા સીટ પૈકી ૪૦ સીટની માંગ કરી છે. માયાવતી હાલમાં મૌન રહેતા તેમની દબાણની નીતિ તરીકે આને જોવામાં આવે છે.

સાથી પક્ષો સાથે  બેઠકોની વહેંચણીને લઇને ચર્ચા જારી છે પરંતુ માયાવતી દ્વારા વધારે સીટ માંગી છે. માયાવતી જો ૪૦ સીટ પર જીદ્દી વલણ અપનાવે તો સમાજવાદી પાર્ટીની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડી શકે છે. કારણ કે તે ઉત્તરપ્રદેશમાં મોટી પાર્ટી છે. માયાવતીને ૪૦ સીટ આપવાની વાત આગળ વધે તો બાકીની ૪૦ સીટમાંથી સપા અને અન્ય સાથી પક્ષોને બેઠકો લેવી પડશે. આવી સ્થિતીમાં સમાજવાદી પાર્ટીના લોકો વાંધો ઉઠાવી શકે છે. ગઠબંધનની રચના કરવા માટે કેટલીક દુવિધા રહેલી છે. ગયા સપ્તાહમાં જ માયાવતી લખનૌંમાં જાહેરાત કરી ચુક્યા છે કે જો બસપને પુરતા પ્રમાણમાં સીટો નહીં મળે તો તે એકલા હાથ ચૂંટણી મેદાનમાં ઉતરશે બહુજન સમાજવાદી પાર્ટીની મદદથી ત્રણ સીટ ગોરખપુર, ફુલપુર અને નુરપુરમાં જીત મેળવનાર સમાજવાદી પાર્ટી બેઠકોની વહેંચણીને લઇને હાલમાં ઉતાવળમાં નથી. બેઠકોની વહેંચણી મામલે વહેલી તકે કોઇ બાંધછોડ થઇ જાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ અને માયાવતીની પાર્ટી સાથે આવી શકે છે. કોંગ્રેસ પાસેથી ત્યાં પણ તે ૪૦થી ૫૦ સીટ માંગે તેવી શક્યતા છે.

(12:46 pm IST)