Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

અન્નદાતા આંદોલનનો બીજો દિવસ

ઠેર-ઠેર ખેડૂતોનું 'ગામડા બંધ': શાકભાજી થયા મોંઘાઃ દૂધની અછત

અનેક રાજ્યોમાં ગામડા બંધની અસર શહેરોમાં જોવા મળીઃ દૂધ-શાકભાજી-ફળની સપ્લાય ચેઈન અસ્તવ્યસ્તઃ જો આંદોલન લાંબુ ચાલ્યુ તો માઠીઃ ૧૦મીએ ભારત બંધનું એલાન

નવી દિલ્હી, તા. ૨ :. દેશના અનેક રાજ્યોમાં ખેડૂતોએ ૧૦ દિવસના આપેલા ગામડા બંધના એલાનનો આજે બીજો દિવસ છે. ખેડૂતોના આંદોલનને કારણે આજે બીજા દિવસે પણ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પંજાબ જેવા રાજ્યોમાં ખેડૂતો પોતાનો વિરોધ દર્શાવવા શેરીઓમાં ઉતરી આવ્યા હતા. ખેડૂતોની હડતાલને કારણે અનેક રાજ્યોમાં દૂધ અને શાકભાજી જેવી ચીજવસ્તુઓના ભાવો વધવા લાગ્યા છે અને સપ્લાયને અસર પહોંચી છે. ગામડા બંધની અસર શહેરોમાં પડવાનું શરૂ થયુ છે અને રોજબરોજની ચીજવસ્તુઓનું સંકટ ઉભુ થયુ છે.

 

પોતાના પાકના વ્યાજબી ભાવ મળે, દેવા માફ થાય અને અન્ય માંગણીને લઈને ખેડૂતોએ આપેલા ૧૦ દિવસના દેશવ્યાપી ગામડા બંધનો આજે બીજો દિવસ છે. બંધના પ્રથમ દિવસે જ દૂધ અને શાકભાજીની સપ્લાય ઉપર અસર જોવા મળી હતી અને અનેક જગ્યાએ ભાવો વધી ગયા હતા. બંધના કારણે મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં બજારોમાં શાકભાજી પહોંચ્યા ન હતા. નાશિકમાં દેશના સૌથી મોટા ડુંગળીના બજાર ઉપર અસર જોવા મળી હતી. ૧૫૦૦ કવીન્ટલની જગ્યાએ માત્ર ૩૦૦ કવીન્ટલ ડુંગળી આવી હતી. અનેક ખેડૂતો બજારમાં આવ્યા જ ન હતા.

રાજસ્થાનમાં ખેડૂતોએ દૂધ અને શાકભાજીની સપ્લાય કરતા ટ્રકોને રોકીને દેખાવો કર્યા હતા. શ્રીગંગાનગર, જયપુર, સીકર વગેરે સ્થળોએ ખેડૂતોએ હાઈવે પર દુધ પણ ઢોળી નાખ્યુ હતું. રાજસ્થાનમાં બંધ સફળ રહ્યાનો દાવો થયો છે. ભોપાલમાં પણ ખેડૂતોએ ૧૦૦ લીટર દૂધ રસ્તા પર ઢોળી દીધુ હતું. પંજાબમાં જલંધર ખાતે સંઘર્ષ સમિતિ હેઠળ ખેડૂતોએ આંદોલન શરૂ કર્યુ છે અને પુરવઠો અટકાવ્યો છે.

ખેડૂત આંદોલનના પરિણામે અનેક રાજ્યોમાં આવશ્યક વસ્તુઓની અછત શરૂ થઈ છે. ખેડૂતોએ ૧૦મીએ ભારત બંધનું એલાન આપ્યુ છે. આ આંદોલન ૧૦ દિવસ ચાલવાનુ છે. જો આંદોલન ૧૦ દિવસ ચાલે તો ફળ, શાકભાજી, દૂધ અને ખાવાપીવાની બીજી ચીજોના ભાવો વધી શકે છે. આંદોલનને કારણે મંડીઓમાં ફળ અને શાકભાજીની આવક ૮૦ ટકા ઘટી ગઈ છે. મધ્યપ્રદેશમાં આંદોલનની વધુ અસર છે. ૩૦૦ ટ્રક આવે છે જેને બદલે ૩ ટ્રક જ આવ્યા હતા. મુંબઈમાં શાકભાજીના ભાવો વધવા લાગ્યા છે, તો રાજસ્થાનમાં દૂધની અછત શરૂ થઈ છે.

આ આંદોલન રાષ્ટ્રીય કિશાન મહાસંઘના નેજા હેઠળ થઈ રહ્યુ છે. ખેડૂતોના કહેવા મુજબ ૧૦મી જૂને સમગ્ર દેશમાં બંધનુ એલાન આપવામાં આવ્યુ છે.(૨-૨)

 

(11:56 am IST)