Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

જંગ એ બદર દિ'ને ફિદાયીન હુમલાનો ભય : રમજાનના ૧૭માં રોજાને લોહિયાળ બનાવવા આતંકીઓનો મનસૂબો

સમગ્ર ઘાટીમાં એલર્ટ : તમામ ધાર્મિક સ્થળ, એરપોર્ટ, રેલવે સ્ટેશન, બજારો સહિત ભીડભાડવાળા વિસ્તારોમાં ખાસ સતર્કતા

નવી દિલ્હી તા. ૨ : જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ ફિદાયીન હુમલાની ફિરાકમાં છે આતંકીઓએ હુમલા માટે જંગ એ બદરનો દિવસ પસંદ કર્યો છે આતંકીઓના મનસૂબા એવા છે કે તે દિવસે વધુમાં વધુ લોકોના જીવ લઈને પોતાના નાપાક ઈરાદાઓને આગળ વધારવામાં આવે. આ નાપાક મંસૂબાઓને અમલમાં મૂકવા માટે આતંકીઓ ફિદાયીન કે પછી ડિટ એન્ડ રન જેવા હુમલાને અંજામ આપી શકે છે.

આતંકીઓ પોતાના નાપાક મનસૂબાઓને અંજામ આપે તે પહેલા તો જમ્મુ કાશ્મીરમાં તહેનાત સુરક્ષા દળોને તેમના ઈરાદાઓની જાણ થઈ ગઈ. સુરક્ષા એજન્સીઓએ આતંકીઓના આ મનસૂબાઓને નિષ્ફળ બનાવવા માટે સમગ્ર ઘાટીમાં એલર્ટ જાહેર કરી છે. એલર્ટમાં તમામ ધાર્મિક સ્થળ, એરપોર્ટ, રેલવે સ્ટેશન, બજારો સહિત ભીડભાડવાળા વિસ્તારોમાં ખાસ સતર્કતા રાખવાનું જણાવાયું છે.

જમ્મુ અને કાશ્મીરમાં તહેનાત એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીના જણાવ્યાં મુજબ આજે રમજાનનું ૧૭મું રોજુ છે. આ દિવસને જંગ એ બદર તરીકે પણ ઓળખવામાં આવે છે. મુસ્લિમ સમુદાયમાં જંગ એ બદરને ત્રણ દિવસ સુધી મનાવવામાં આવે છે. જેમાં પહેલા બે દિવસોમાં તમામ જુલુસ કાઢવામાં આવે છે. સાંજે અમાલ એટલે કે પ્રાર્થનાનું આયોજન થાય છે.

ત્રીજા દિવસે સમુદાયના મોટા ભાગના લોકો રાત મસ્જિદમાં પસાર કરે છે. એવી માન્યતા છે કે જંગ એ બદરની ત્રીજી રાતે મસ્જિદમાં નમાજ પઢવાથી સમગ્ર વર્ષની નમાજ પૂરી થાય છે. આથી ૪ જૂનની રાતે જમ્મુ કાશ્મીરની તમામ મસ્જિદોમાં ભારે સંખ્યામાં લોકોની હાજરી હશે. આતંકીઓનો એવો મનસૂબો છે કે આવા ભીડભાડવાળા વિસ્તારોમાં આતંકી વારદાતને અંજામ આપવામાં આવે, જેનાથી જમ્મુ અને કાશ્મીરમાં મોટી સંખ્યામાં લોકોની હત્યા કરાય. આતંકીઓના આ મનસૂબાને સમજયા બાદ સુરક્ષાદળોએ રાજયમાં વ્યાપક સ્તરે સુરક્ષા ઘેરો તૈયાર કરી લીધો છે.

સુરક્ષાદળો સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યાં મુજબ જંગ એ બદર પર આતંકી સુરક્ષાદળોના પરિસરોમાં પણ મોટી આતંકી વારદાતને અંજામ આપવાની ફિરાકમાં છે. આતંકીઓના નિશાના પર ઘાટીના વિભિન્ન ભીડભાડવાળા વિસ્તારોની વચ્ચોવચ આવેલા સુરક્ષા પરિસરો છે. આ પરિસરો પર આતંકી હિટ એન્ડ રન હુમલો કરી શકે છે. જેમાં વિસ્ફોટક ભરેલા કોઈ વાહનને સુરક્ષા પરિસરમાં ઘૂસાડીને મોટો વિસ્ફોટ કરવાનો હોય છે. જેનાથી તમામ સુરક્ષાચક્રોને એક જ વારમાં ધ્વસ્ત કરી શકાય. સુરક્ષા ચક્ર ધ્વસ્ત થતા જ ફિદાયીન આતંકીઓની બીજી ટુકડી પરિસરમાં હાજર સુરક્ષાદળો પર ફાયરિંગ કરી શકે છે.

સુરક્ષાદળોના વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ આતંકીઓના મનસુબાને ધ્યાનમાં રાખીને ઘાટીમાં સુરક્ષાના તમામ ઉપાયો હાથ ધરવામાં આવ્યાં છે.(૨૧.૧૧)

(11:54 am IST)