Gujarati News

Gujarati News

News of Saturday, 2nd May 2020

બેંકના આશરે સવા લાખ ખાતાધારકો પર સંકટ

લોકડાઉન વચ્ચે RBIએ રદ કર્યુ આ બેંકનું લાઇસન્સ, લાખો ખાતાધારકોના રૂપિયા ફસાયા

મુંબઇ, તા.૨: ભારતીય મધ્યસ્થ બેંકએ સીકેપી સહકારી બેંકના ગ્રાહકોને ઝટકો આપતા બેંકનું લાઇસન્સ રદ કરી નાખ્યું છે. મનીકંટ્રોલના જણાવ્યા પ્રમાણે આ કારણે બેંકના આશરે સવા લાખ ખાતાધારકો પર સંકટ ઊભું થયું છે. બેંકની ૪૮૫ કરોડ રૂપિયાની એફડી પણ અધ્ધરતાલ છે.

આરબીઆઈ વર્ષ ૨૦૧૪થી જ આ બેંક પર સતત પ્રતિબંધની મુદત વધારી રહી છે. આ પહેલા ૩૧ માર્ચના રોજ મુદત વધારીને ૩૧ મે કરવામાં આવી હતી, પરંતુ આરબીઆઈએ આ પહેલા જ બેંકનું લાઇસન્સ રદ કરી નાખ્યું છે.

મનીકંટ્રોલને સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, સીકેપી સહકારી બેંકની નેટવર્થમાં ઘટાડો લાઇસન્સ રદ થવાનું કારણ રહ્યું. ઓપરેશનલ નફો હોવા છતાં નેટવર્થમાં ઘટાડો થતાં બેંકનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે.

મુંબઈના દાદરમાં CKP-Bankનું મુખ્યાલય છે. મહારાષ્ટ્ર ટાઇમ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે બેંકની ખોટ વધતા અને નેટવર્થમાં ઘટાડો થતા લેવડદેવડ અંગે બેંક પર વર્ષ ૨૦૧૪માં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જે બાદમાં અનેક વખત બેંકની ખોટ ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ માટે રોકાણકારો અને થાપણદારોએ પ્રયાસ કર્યો હતો. વ્યાજદરમાં કાપ મૂકવામાં આવ્યો હતો. વ્યાજદર બે ટકા સુધી આવી ગયો હતો.અમુક લોકોએ પોતાની એફડીનું શેરમાં રોકાણ કરી લીધું હતું, અમુક હદ સુધી તેની અસર પણ જોવા મળી હતી.

બેંકનું નુકસાન ઓછું થઈ રહ્યું હતું પરંતુ આરબીઆઈએ સીકેપી બેંકનું લાઇસન્સ રદ કરીને રોકાણકારોને ઝટકો આપ્યો છે.

(3:30 pm IST)